સમસ્ત આદિવાસી સમાજની રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત
- byDamanganga Times
- 23 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૨ ઃ અમલસાડથી વાપી અને સુરત તરફ નવી ટ્રેનો શરૂ કરવા સહિત બંધ કરાયેલી ટ્રેનો પુનઃ શરૂ કરવાની માંગ ઉઠાવી.
દક્ષિણ ગુજરાતના હજારો દૈનિક રેલવે મુસાફરોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના પ્રમુખ તથા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે રેલવે મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને લેખિતમાં રજૂઆત કરી મુસાફરોની લાંબા સમયથી પડતર સમસ્યાઓ અંગે ધ્યાન દોર્યું છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના બીલીમોરા, અમલસાડ, નવસારી સહિત આસપાસના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાંથી દરરોજ હજારો વિદ્યાર્થીઓ, કામદારો અને નોકરિયાત વર્ગના લોકો વાપી, સરીગામ, ઉમરગામ ઞ્ત્ઝ઼ઘ્, સુરત તથા ભરૂચ તરફ અપડાઉન કરે છે. આ વિસ્તારમાં ઔદ્યોગિક ઍકમો અને શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા વધવા છતાં છેલ્લા આશરે ૩૦ વર્ષથી સવારના ૭થી ૯ વાગ્યાના મહત્વપૂર્ણ પીક અવર્સ દરમિયાન નવી લોકલ કે પ્ચ્પ્શ્ ટ્રેન શરૂ કરવામાં આવી નથી. પરિણામે દૈનિક મુસાફરોને ભારે ભીડવાળી લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને ફલાઈંગ રાણી જેવી ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડને કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેક વખત ટ્રેનમાં ઊભા રહેવાની પણ પૂરતી જગ્યા મળતી ન હોવાથી મુસાફરી જોખમી અને અસુવિધાજનક બની રહી હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.
આ ઉપરાંત લોકડાઉન દરમિયાન બંધ કરવામાં આવેલી અનેક ટ્રેન સેવાઓ હજુ સુધી પુનઃ શરૂ કરવામાં આવી નથી.
બીલીમોરા અને અમલસાડ જેવા મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનો પર જરૂરી ટ્રેનોને સ્ટોપેજ આપવાની માંગ પણ લાંબા સમયથી પડતર હોવાનું જણાવાયું છે.
આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે રેલવે તંત્ર સમક્ષ બીલીમોરા અને અમલસાડથી વાપી તથા સુરત તરફ સવારના ૭થી ૯ વાગ્યા દરમિયાન નવી લોકલ/પ્ચ્પ્શ્ ટ્રેનો શરૂ કરવા, લોકડાઉન પહેલાં બંધ કરાયેલી ટ્રેનો ફરી કાર્યરત કરવા તેમજ બીલીમોરા અને અમલસાડ સ્ટેશનો પર જરૂરી ટ્રેનોનાં સ્ટોપેજ આપવા માંગ કરી છે.
આ માંગણીઓનો વહેલી તકે હકારાત્મક ઉકેલ આવે તો દક્ષિણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ, કામદારો અને દૈનિક મુસાફરોને મોટી રાહત મળી શકે તેમ છે.
