Damanganga Times.

Damanganga Times.

November 21, 2026

વાપીને વધુ ચોખ્ખું બનાવવા બાબતે મનપામાં સમીક્ષા બેઠક યોજાઈ

વાપીને વધુ ચોખ્ખું બનાવવા બાબતે મનપામાં સમીક્ષા બેઠક યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૦  ઃ વાપી શહેરની સ્વચ્છતા અને સફાઈ કામગીરી વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બને તે હેતુથી આજે વાપી મહાનગરપાલિકા ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીશભાઈ પટેલ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર વિશાલ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં શહેરના વિવિધ વોર્ડમાં ચાલી રહેલી સફાઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી તેમના સંબંધિત વોર્ડમાં સફાઈની સ્થિતિ અને કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. સાથે જ શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યાં હતાં.સફાઈ કામગીરી માત્ર સરકારી ફરજ ન બની રહે, પરંતુ તેને જનભાગીદારીના અભિયાન તરીકે વિકસાવવામાં આવે તેવો અભિગમ અપનાવવા ભાર મૂકાયો હતો. દરેક વોર્ડમાં નિયમિત, સુવ્યવસ્થિત અને ગુણવત્તાસભર સફાઈ થાય તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.