ગણદેવીની ૧૫ ગ્રા.પં.માં સરપંચપદની અનામત ફાળવણી સામે વિરોધનો વંટોળ
- byDamanganga Times
- 21 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૨૦ ઃ ગણદેવી તાલુકાની ૬૫ ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણી પહેલાં જ સરપંચપદની અનામત બેઠકોની ફાળવણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્ના છે. ગત તા. ૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા અનામત બેઠકોના જાહેરનામા સામે તાલુકાની ૧૫ જેટલી ગ્રામ પંચાયતોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. અનામતની વારાફરતી ફાળવણી (રોટેશન)ના નિયમોનું ઉલ્લંઘન કરી કેટલીક ગ્રામ પંચાયતોમાં મહિલા અનામતનું પુનરાવર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવ્યા બાદ હવે સમગ્ર ફાળવણીને ઉચ્ચ ન્યાયાલયમાં પડકારવાની દિશામાં કવાયત તેજ બની છે.
ગ્રામ પંચાયતોમાં સરપંચપદની અનામત ફાળવણી માટે ગુજરાત પંચાયત અધિનિયમ તથા ગુજરાત ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી (સરપંચના અનામત હોદ્દાની વારાફરતી ફાળવણીની રીત) નિયમો, ૧૯૯૪માં નિર્ધારિત જોગવાઈઓનું પાલન કરવાનું હોય છે. રજૂઆતકર્તાઓના જણાવ્યા મુજબ, નિયમો અનુસાર ઍક વખત કોઈ ચોક્કસ વર્ગ માટે બેઠક અનામત રાખવામાં આવ્યા બાદ રોટેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી ઍ જ વર્ગને ફરીથી અનામતનો લાભ આપી શકાય નહીં. તેના બદલે આગામી ક્રમમાં આવતા વર્ગને અનામત ફાળવણી થવી જોઈઍ. જોકે, હાલની ફાળવણીમાં રોટેશનના સિદ્ધાંતને બદલે અગાઉની અનામતનું પુનરાવર્તન કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્ના છે.તાલુકાની ૬૫ ગ્રામ પંચાયતો પૈકી અજરાઈ, મટવાડ, અંભેટા, ગંઘોર, કોથા, ધમડાછા, દેવધા, દેવસર, ભાઠા, બીગરી, છાપર, ભાગડ, ભાટ, ધોલાઈ અને માસા સહિતની ૧૫ ગ્રામ પંચાયતોમાં મહિલા અનામતના પુનરાવર્તન સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ ગામોમાં અગાઉની અનામત ફાળવણી અને વર્તમાન જાહેરનામાના લેખિત પુરાવા સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
આ સમગ્ર વિવાદમાં ગંઘોર ગામનો કિસ્સો વિશેષ ચર્ચાસ્પદ બન્યો છે. રજૂઆતકર્તાઓના જણાવ્યા મુજબ, છેલ્લા ૪૫ વર્ષથી ગંઘોર ગ્રામ પંચાયતમાં પુરુષ ઉમેદવારો સરપંચપદની ચૂંટણી લડી શક્યા નથી. આ સ્થિતિને લઈને પણ સ્થાનિક સ્તરે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે પહેલાં જ સરપંચપદની અનામત ફાળવણી સામે ઊઠેલા વિરોધે રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતનો યોગ્ય નિકાલ નહીં આવે તો અનામત ફાળવણીના જાહેરનામાને ઉચ્ચ ન્યાયાલયમાં પડકારવામાં આવે તેવી શક્યતા છે. પરિણામે ગણદેવી તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલાં જ અનામતના રોટેશનનો મુદ્દો રાજકીય અને કાનૂની ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
