Damanganga Times.

Damanganga Times.

November 20, 2026

વાપીમાં રમકડાંની દુકાનમાં ચોરી

વાપીમાં રમકડાંની દુકાનમાં ચોરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૯ ઃ વાપીના મેઈન બઝાર રોડ પર આવેલી રમકડાં અને ગિફટની દુકાનમાં અજાણ્યા તસ્કરોઍ શટર ઉંચુ કરી રૂ. ૪૦,૦૦૦ રોકડાની ચોરી કરી હોવાની ફરિયાદ વાપી ટાઉન પોલીસમાં નોંધાઈ છે.

ફરિયાદી હુસેન ઝુઝરભાઈ સૈફુદ્દીનભાઈ શામાવાલા (ઉં.વ. ૪૨) વાપી ટાઉન રોયલ મેન્શન બિલ્ડીંગના ભોય તળિયે મેઈન બઝાર રોડ પર સૈફી ગ્લોરીયસ ટોઈસ ઍન્ડ ગિફટ નામની દુકાન ધરાવી વેપાર કરે છે.

ગત તા. ૧૭/૧૧/૨૦૨૬ના રોજ સવારે નિયમ મુજબ તેઓ દુકાને આવ્યા હતા. આખો દિવસ ટોઈસ અને ગિફટનું વેચાણ કરી સાંજે આશરે ૮.૩૦ વાગ્યે દુકાનનું શટર બંધ કરી ચાવી સાથે લઈ ઘરે ગયા હતા. દિવસ દરમિયાનના વેપારના તેમજ અન્ય રોકડ રૂપિયા મળી કુલ રૂ. ૪૦,૦૦૦ તેઓ દુકાનના કાઉન્ટર ટેબલના ડ્રોવરમાં મૂકીને ગયા હતા. આજરોજ તા. ૧૮/૧૧/૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૩.૩૦ વાગ્યે તેમના કાકા શમુનભાઈનો ફોન આવ્યો કે તમારી દુકાનનું શટર ઍક બાજુથી ઉંચુ કરેલું છે અને દુકાનમાં સામાન વેરવિખેર પડેલો છે. તાત્કાલિક દોડી આવી જોતા દુકાનનું શટર ડાબી સાઈડથી ઉંચુ કરેલું હતું. અંદર સામાન વેરવિખેર હતો અને ડ્રોવરમાં મૂકેલા રૂ. ૪૦,૦૦૦ મળી આવ્યા ન હતા.

તસ્કરોઍ કોઈ સાધન વડે શટર ઉંચુ કરી ગેરકાયદેસર રીતે દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરી હોવાનું જણાય છે. પોલીસે અજાણ્યા ચોર વિરૂદ્ધ ગુનો નોંધી સીસીટીવી તપાસ હાથ ધરી છે.