સાપુતારાનાં ટેબલ પોઇન્ટ પાસે કાર રિવર્સમાં ખીણમાં ખાબકી
- byDamanganga Times
- 20 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૧૯ ઃ ગુજરાતના પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓને અકસ્માત નડતા ભારે દોડધામ મચી જવા પામી હતી.બારડોલીથી સાપુતારા ફરવા આવેલા ઍક પરિવારની કાર નંબર ઞ્થ્-૧૯-ગ્ચ્-૦૫૩૮ ટેબલ પોઇન્ટ પાસે અકસ્માતનો ભોગ બની ખીણમાં ખાબકી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટેબલ પોઇન્ટ તરફ જતા ચઢાણવાળા ઘાટ પર કાર ચઢી શકી ન હતી અને અચાનક રિવર્સમાં આવતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેના પગલે કાર ખીણમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સાપુતારાના સ્થાનિક લોકો અને ૧૧૨ ઇમરજન્સી સેવા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિકો અને બચાવ ટીમની સમયસૂચકતા તથા ભારે જહેમતના પરિણામે કારમાં સવાર ત્રણ પુખ્ત વયના વ્યક્તિઓ અને બે બાળકો સહિત કુલ પાંચ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર બચાવ કામગીરીમાં સાપુતારા પોલીસ મથકના પી.આઈ. જે.કે. બારીયા અને તેમની ટીમે અથાગ મહેનત કરી પરિવારનો જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સદનસીબે પરિવારના તમામ સભ્યોનો આબાદ બચાવ થતાં પરિવારજનોઍ રાહતનો શ્વાસ લીધો હતો.સાપુતારા પોલીસની સતર્કતા, સ્થાનિક નાગરિકોની માનવતા અને ૧૧૨ની ટીમની સમયસરની મદદને કારણે મોટી જાનહાનિ ટળી હતી.મુશ્કેલીના સમયે માનવતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર તમામ બચાવકર્મીઓની કામગીરી સરાહનીય બની રહી છે.
