Damanganga Times.

Damanganga Times.

November 18, 2026

ધરમપુરમાં જલારામ જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ

ધરમપુરમાં જલારામ જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૭ ઃ  ધરમપુરમાં જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે હનુમાન ફળિયા અને મોટા બજાર વિસ્તારમાં આવેલા જલારામ બાપાનાં મંદિરોમાં વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો સાથે જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

સવારથી જ હનુમાન ફળિયાના જલારામ બાપાના મંદિરે ભજન-કીર્તનના કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. સવારે ૧૦ વાગ્યે જલારામ બાપાની તસવીરને શણગારી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં લોહાણા સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. શોભાયાત્રા દસોંદી ફળિયા, લક્ષ્મીનારાયણ મંદિર, મોટા બજાર, ટાવર, પ્રભુ ફળિયા અને સમડી ચોક થઈ પુનઃ જલારામ બાપાના મંદિરે પહોંચી હતી. માર્ગમાં મહિલા ભક્તોઍ ગરબા રમી, ભજનો અને ધૂન ગાઈ સમગ્ર નગરને જલારામમય બનાવી દીધું હતું.શોભાયાત્રામાં નાના ભૂલકાઓ ધ્યાના રાંચ અને હિયા પારેખને જલારામ બાપા તથા વીરબાઈ માતાના વેશમાં સજાવી ગાડીમાં ઊભાં રાખવામાં આવ્યાં હતાં. તેમનો આ સુંદર વેશ ઉપસ્થિત લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

સાંજે સત્યનારાયણ ભગવાનની કથા, છપ્પન ભોગ તથા જલારામ બાવનીના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જલારામ બાપાના જીવનચરિત્ર અને તેમના સેવાકાર્યોનું સ્મરણ કરી ભક્તોઍ ભાવપૂર્વક દર્શનનો લાભ લીધો હતો. સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓઍ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બપોરે અને સાંજે યોજાયેલી મહાપ્રસાદીનો મોટી સંખ્યામાં ભક્તોઍ લાભ લઈ ધન્યતા અનુભવી હતી