Damanganga Times.

Damanganga Times.

November 18, 2026

વાપી પાસેથી રૂ.૧૩ કરોડની સોપારી ભરેલી ૧૦ ટ્રક ઝડપાઈ

વાપી પાસેથી રૂ.૧૩ કરોડની સોપારી ભરેલી ૧૦ ટ્રક ઝડપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૭ ઃ વાપીના દેગામ કરવડ રોડ પાસેથી ૧૩ કરોડની સોપારી ભરેલી ૧૦ ટ્રક ઝડપાઈ આવતા ભારે ચકચાર મચી ગઈ છે. ઍસઓજી વાપી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તમામ ટ્રકો ઝડપી પાડી તપાસ માટે જીઍસટી વિભાગને સુપ્રત કરી છે.

પ્રાથમિક તપાસમાં ૧૦ ટ્રકમાં કર્ણાટકથી ભરેલી ૧૩ કરોડની સોપારી દિલ્હી લઈ જવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. જીઍસટી વિભાગ આ અંગે વધુ તપાસ કરી રહ્નાં છે.

મળતી માહિતી મુજબ ઍસઓજી વાપી પોલીસના પીઍસઆઇ સુસલદે અને તેમની ટીમ દેગામ કરવડ રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન શંકાસ્પદ રીતે ઉભેલી ટ્રકો નજરે પડી હતી. પોલીસે તમામ ટ્રકોની તલાશી લેતા તેમાં મોટા પ્રમાણમાં સોપારી ભરેલી હોવાનું જણાયું હતું. ટ્રક ચાલકો પાસે સોપારી અંગેના પૂરતા કાગળો માંગતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. ત્યારબાદ પોલીસે તમામ ૧૦ ટ્રકને કબ્જે કરી જીઍસટી વિભાગને જાણ કરી હતી. જીઍસટી વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ટ્રકોમાં ભરેલી સોપારીની તપાસ શરૂ કરી છે. સોપારીનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો, તેના બિલ, ઈ-વે બિલ અને જીઍસટી અંગેના દસ્તાવેજો સાચા છે કે કેમ, તેમજ તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો, તે દિશામાં તપાસ ચાલી રહી છે.

કર્ણાટકથી દિલ્હી સુધી સોપારી લઈ જવાના આટલા મોટા જથ્થા પાછળ કોઈ મોટું રેકેટ હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. શું આ સોપારી કાયદેસર રીતે વેપાર માટે લઈ જવાતી હતી કે પછી ટેક્સ ચોરી માટે બોગસ બિલિંગનો ઉપયોગ થયો છે, તે જીઍસટીની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

હાલમાં તમામ ટ્રક અને સોપારીનો જથ્થો જીઍસટી વિભાગના કબ્જામાં છે. પોલીસે પણ આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આટલી મોટી માત્રામાં સોપારી ઝડપાતા વેપારી આલમમાં પણ ચર્ચા શરૂ થઈ છે.