કરવડમાં ૧૦૮ ઍમ્બ્લ્યુલન્સના સ્ટાફે મૃતકનો રૂ. ૯૨ હજારનો સામાન પોલીસને સોંપ્યો
- byDamanganga Times
- 18 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપી તાલુકાના કરવડગામે નાયરા પેટ્રોલ પંપ પાસે રાત્રિના ૮ કલાકે અકસ્માત થયાની જાણ ૧૦૮ ઍમ્બ્યુલન્સને થતા ઘટના સ્થળ પર પહોંચવા પહેલા ફોન ઉપર જ પ્રાથમિક સારવાર આપી હતી. ૧૦૮ ગાડી સ્થળ પર પહોંચતા પેશન્ટને હાથમાં ફ્રેક્ચર અને માથામાં ઈજા થઈ હતી હોવાનું જણાતા તેમને સપાઇન બોર્ડ પર લઈ સર્વાઇકલ કોલર લગાડી હાથમાં ફ્રેક્ચર હોવાથી સ્પ્લિટ કરીને ઍમ્બ્યુલન્સમાં લીધા પછી ઘાયલ વ્યકિતની તપાસ કરતા સ્થળ પર જ મૃત્યુ પામ્યો હોવાનું જણાયુ હતું.
ઘટના સ્થળે મૃતક પાસેથી રૂ.૪૦,૧૦૦ રોકડા અને રૂ. ૫૨ હજારના બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. કુલ રૂ. ૯૨,૧૦૦નો આ કિંમતનો સામાન ૧૦૮ની ટીમે પારડી પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.
પારડી પોલીસે ૧૦૮ ટીમના ઈઍમટી શિલ્પા રાઠોડ અને પાઈલોટ પરેશ મોકાશીની ઈમાનદારી અને ફરજ પ્રત્યેની વફાદારીને બિરદાવી તેમનો આભાર માન્યો હતો.
જ્યારે ૧૦૮ના પ્રોગામ મેનેજર હેમંત સોલંકીઍ બંને પ્રમાણિક અને કર્મનિષ્ઠ ઈઍમટી અને પાઈલોટને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
