વાપીથી વિરપુર સુધી પાલખી- પદયાત્રા રવાના
- byDamanganga Times
- 18 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપીના કોળીવાડ ખાતે આવેલા જલારામ મંદિરથી સતત બીજા વર્ષે જલારામ ભક્તોની પાલખી સાથે પદયાત્રા વિરપુર જવા રવાના થઈ છે.વાપી કોળીવાડ ખાતે ૨૧ વર્ષ પૂર્વે બનાવવામાં આવેલ શ્રી જલારામ મંદિર હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં દરેક ધાર્મિક પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં અહીંના જલારામ મંડળના ખંડુભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા ગયા વર્ષે વિરપુર સુધી પાલખી સાથે પદયાત્રા કાઢવાનું શરૂ કરેલું, જે બીજા વર્ષે પણ ચાલુ રાખ્યું છે. ગઈકાલે જલારામ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી બાદ જલારામ બાપાની પાલખી સાથે પદયાત્રા વિરપુર જવા રવાના થઈ હતી. જેમાં મનપાના કાઉન્સિલર ખંડુભાઈ પટેલની આગેવાનીમાં ૩૫ જેટલા પદયાત્રી સહિત ૫૫ લોકો જોડાયા છે. આ પદયાત્રા ૨૯ નવેમ્બરના રોજ જલારામ ધામ વિરપુર ખાતે પહોંચશે.
