Damanganga Times.

Damanganga Times.

November 18, 2026

વલસાડ ઔરંગા નદી પર નવા બ્રિજના ગર્ડર ચઢાવવાનું શરુ

વલસાડ ઔરંગા નદી પર નવા બ્રિજના ગર્ડર ચઢાવવાનું શરુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૭ ઃ  વલસાડ માર્ગ મકાન વિભાગ દ્વારા આજથી વલસાડના કૈલાસ રોડ પર ઔરંગા નદીના નવા બ્રિજની કામગીરી માટે ચાર દિવસ સુધી રસ્તો બંધ કરી આજથી બે મહાકાય ક્રેનની મદદથી ગર્ડર કઢાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

વલસાડ શહેરના કૈલાશ રોડ પર ઔરંગા નદી ઉપર નિર્માણાધીન નવા પુલની કામગીરી આજરોજ બાંધકામ સ્થળ પર બે મહાકાય હેવી-ડ્યુટી ટેલિસ્કોપિક ક્રેનની મદદથી પુલના પિલર ઉપર વિશાળ પ્રી-કાસ્ટ કોંક્રીટ ગર્ડર ચઢાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ સુરક્ષાના તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને બ્રિજ નિર્માણનું આ કાર્ય ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્નાં છે. ગર્ડર લોન્ચિંગની આ મહત્વપૂર્ણ કામગીરીને પગલે સ્થળ પર ટેકનિકલ નિષ્ણાતો અને ઍન્જિનિયરોની ટીમ સતત ખડેપગે રહી કામગીરીનું નિરીક્ષણ કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, કૈલાશ રોડ પરનો જૂનો પુલ નીચો હોવાથી ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે પાણી ફરી વળતા હતા, જેના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ જતો હતો.

હવે આ નવો અને ઊંચો પુલ તૈયાર થતા જ વલસાડ અને ખેરગામ રોડ પર આવેલા ૨૦  જેટલા ગામોના ગ્રામજનો અને વલસાડ શહેરના હજારો વાહનચાલકોને રોજિંદા ટ્રાફિક જામ તેમજ ચોમાસામાં પડતી હાલાકીમાંથી મોટી રાહત મળશે.