વાપીમાં જ્વેલર્સ ઉપર ચપ્પુથી ઘાતક હુમલો
- byDamanganga Times
- 18 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપી ટાઉનમાં ભર બપોરે જ્વેલર્સ સંચાલકના પુત્ર ઉપર ચપ્પુથી ઘાતક હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. બે મહિના પહેલા યુકેથી વોટ્સઍપ કોલ દ્વારા ધમકી આપી રૂ. ૫ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જે મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આજે બપોરે ૧૨.૩૦ કલાકે અભિષેક જ્વેલર્સના સંચાલક પુત્ર લલિત જૈન ગાંધી માર્કેટના પહેલા માળે આવેલી યુનિયન બેંકમાં ગયો હતો, ત્યારે અગાઉથી લાગ જોઈ બેસેલા ત્રણ પૈકી ઍક ઈસમે સીડી ઉતરતી વેળા લલિત જૈન ઉપર ધારદાર ચપ્પુથી ખભાના ભાગે તથા પીઠના ભાગે હુમલો કર્યો હતો. જોકે હુમલો થતા આજુબાજુના લોકોઍ બૂમાબૂમ કરતા હુમલાખોર ઈસમો ભાગવા માંડ્યા હતા, જે પૈકી ઍક ઈસમને લોકોઍ દોડીને ઝડપી પાડ્યો હતો, જ્યારે બે ઈસમ ભાગી ગયા હતા. ઘટનાને પગલે વાપીના જ્વેલર્સ શોપ સંચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ઘટનાની જાણ થતા તુરંત વાપી પોલીસે હુમલાખોર આરોપીને કસ્ટડીમાં લઈ ભાગી છૂટેલા અન્ય બે ઈસમોને ઝડપી પાડવા પીઆઈ કે. બી. ઝાલાની ટીમે ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની ગંભીરતાને લઈ ઍલસીબી, વાપી વિભાગ નાયબ પોલીસ અધિક્ષક દવે, ઍલસીબી પીઆઈ ઍ. યુ. રોઝ, જિલ્લા પોલીસ અધિક્ષક જાડેજા વાપી ટાઉન પોલીસ ખાતે ધસી આવ્યા હતા, તો મોડી સાંજે રેન્જ આઈજી પ્રેમવીરસિંહ પણ આવી રહ્ના હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે ૧૮ સપ્ટેમ્બરના ત્રણ-ચાર દિવસ પહેલા જ્વેલર્સ સંચાલકને ઍક ગેંગના નામે વોટ્સઍપ કોલથી રૂ.૫ કરોડની ખંડણી માંગી હતી અને રકમ ન આપે તો પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.
પોલીસે અભિષેક જ્વેલર્સના સંચાલકને મળેલી ધમકી બાદ સતત તેના ઘરે અને દુકાન બહાર પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હતું અને બીજી તરફ તેને જે વોટ્સઍપ કોલથી ધમકી મળી હતી તેની તપાસ ચાલુ રાખી હતી. તાજેતરમાં દિવાળીના તહેવાર અને લાભ પાંચમ સુધી પોલીસની ગાડી અને સિવિલ ડ્રેસમાં પોલીસ મુખ્ય બજાર રોડ ઉપર પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હતું. છતાં આજે બપોરે તકનો લાભ લઈ હુમલાખોરોઍ જ્વેલર્સ સંચાલક પર હુમલો કર્યો હતો.
ઍમાં સંડોવાયેલા ત્રણ પૈકી ઍક હુમલાખોરને લોકોઍ ઝડપી લીધો હતો. જયારે જ્વેલર્સ ઉપર હુમલો કરી ભાગેલા ઈસમે ભાગતા ભાગતા રસ્તામાં ઍક દુકાન આગળ હુમલામાં વાપરેલું ચપ્પુ ફેંકી દીધું હતું, જેની દુકાનદાર દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે તે ચપ્પુ કબ્જે લીધું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ હુમલાખોર ઇસમો બાઇક પર આવ્યા હતા. અને બે દિવસ થી રેકી કરતા હોવાનું સીસી ટીવી ફુટેજમાં કેદ થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ હુમલાખોરો ખરેખર અગાઉ ધમકી આપનાર ગેંગ ના જ છે કે લૂંટ ના ઇરાદે આવેલા તે અંગે પોલીસ તપાસ ચાલુ છે.
