Damanganga Times.

Damanganga Times.

November 18, 2026

પારડીની જે.પી. પારડીવાલા સ્કુલમાં નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

પારડીની જે.પી. પારડીવાલા સ્કુલમાં નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૭ ઃ જે.પી. પારડીવાલા આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડી ખાતે  ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રા. વિજયભાઈ સી. ગાવિતનો નિવૃત્તિ સન્માન સમારોહ અત્યંત ભાવભીના અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. તેમણે પોતાની શૈક્ષણિક કારકિર્દીના ૩૭ વર્ષ અને ૯ મહિના સુધી નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી કોલેજ અને શિક્ષણ જગતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ સમારોહમાં તેમના ધર્મ પત્ની સંગીતાબેન વિજયભાઈ ગાવિત તેમજ દીકરી ફોરમ તેમજ નિવૃત્ત થઈ ગયેલા ચોથા વર્ગના કર્મચારીઓ અને અધ્યાપકોઍ પણ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત કોલેજનાં ઇન્ચાર્જ આચાર્યા ડૉ. ફાલ્ગુનીબેન દેસાઈના આવકાર પ્રવચનથી કરવામાં આવી હતી. તેમણે પ્રા. વિજયભાઈ ગાવિતની લાંબી સેવાકીય સફરને બિરદાવી તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે નિવૃત્ત અધ્યાપક દિલીપભાઈ પટેલ તથા ધી પારડી ઍજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ  દ્વારા મોકલવામાં આવેલા શુભેચ્છા સંદેશનું વાંચન કરવામાં આવ્યું હતું. બંને સંદેશાઓમાં પ્રા. વિજયભાઈ ગાવિતની સેવાઓને બિરદાવતાં તેમના નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કોલેજના સમગ્ર સ્ટાફ પરિવાર તરફથી ઇન્ચાર્જ આચાર્યા ડૉ. ફાલ્ગુનીબેન દેસાઈઍ શાલ ઓઢાડીને પ્રા. વિજયભાઈ ગાવિતનું સન્માન કર્યું હતું. ત્યારબાદ કોલેજના સ્ટાફ સેક્રેટરી પ્રા. જીતેન્દ્રકુમાર ઍમ. ટંડેલે સન્માનપત્રનું ભાવસભર વાંચન કરી ઇન્ચાર્જ આચાર્યા સાથે મળીને સન્માનપત્ર અર્પણ કર્યું હતું. કોલેજ પરિવારે તેમના નિવૃત્ત જીવન માટે સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને આનંદમય જીવનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.