Damanganga Times.

Damanganga Times.

November 16, 2026

વાપી-નાસિક માર્ગને સુરક્ષિત બનાવવા અને છરવાડા અંડરપાસની ડિઝાઇન બદલવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

વાપી-નાસિક માર્ગને સુરક્ષિત બનાવવા અને છરવાડા અંડરપાસની ડિઝાઇન બદલવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૧૫ ઃ દક્ષિણ ગુજરાતના માર્ગ પરિવહનને વધુ સુરક્ષિત અને સુગમ બનાવવા દક્ષિણ ગુજરાત સમસ્ત આદિવાસી સમાજના કન્વીનર તથા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ બે મહત્ત્વપૂર્ણ લોકહિતલક્ષી માળખાકીય સુવિધાઓ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં વાપીથી નાસિક વચ્ચેના માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા તેમજ વાપી નેશનલ હાઈવે પર છરવાડા નજીક આવેલા સાંકડા અંડરપાસની ડિઝાઇનમાં જરૂરી સુધારા કરવાની માંગ કરવામાં આવી છે.

વાપીથી નાસિક વચ્ચેનો માર્ગ ખાસ કરીને શનિ-રવિ અને જાહેર રજાઓ દરમિયાન ભારે વાહનવ્યવહાર ધરાવે છે. આ માર્ગ પર જોખમી વળાંકો, સાંકડા રસ્તાઓ, ઘાટ વિસ્તાર તેમજ નદી-નાળાઓની નબળી સ્થિતિને કારણે વારંવાર અકસ્માતો સર્જાવાની શક્યતા રહે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે જોખમી વળાંકો અને ઘાટ વિસ્તારનું સુધારણા કાર્ય કરી શક્ય હોય ત્યાં માર્ગને સીધો અને સુરક્ષિત બનાવવો તેમજ નદી-નાળાઓ પર ઊંચા અને મજબૂત પુલનું નિર્માણ કરવું જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. આ ઉપરાંત નદીઓ અને નાળાઓ પર યોગ્ય સ્થળોઍ નાના ચેકડેમ બનાવવામાં આવે તો વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે અને આસપાસના પથરાળ વિસ્તારનાં ગામોમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવવાથી પીવાના પાણીની સમસ્યાના નિરાકરણમાં પણ મદદ મળી શકે તેમ છે.

 ખાસ કરીને કપરાડાથી નાસિક તરફના માર્ગને ત્યાંના અન્ય સુપર ઍક્સપ્રેસવે સાથે જોડવાની શક્યતાઓ પણ તપાસવા રજૂઆત કરવામાં આવી છે. જો આ જોડાણ શક્ય બને તો વલસાડ, પારડી અને નાનાપોંઢા વિસ્તારના વાહનચાલકોને આશરે ૩૦ કિલોમીટર જેટલું અંતર ઘટવાનો લાભ મળી શકે તેમ છે.

 બીજી તરફ વાપી નેશનલ હાઈવે પર છરવાડા નજીક આવેલો વર્તમાન અંડરપાસ અત્યંત સાંકડો હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વૈશાલી બ્રિજ અને ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની નજીક હોવાને કારણે આ વિસ્તારમાં સતત ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતનો ભય રહે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ડો. નિરવ પટેલે ટેકનિકલ નિષ્ણાતો પાસે વૈકલ્પિક ડિઝાઇનની શક્યતાઓ તપાસવાની માંગ કરી છે. જેમાં વૈશાલી બ્રિજ અને બલીઠા હાઈવે બ્રિજ વચ્ચે આશરે ૫૦૦ મીટરનું યોગ્ય અંતર રાખીને બંને બ્રિજની લંબાઈ વધારવા તેમજ હાલના સાંકડા અંડરપાસના બદલે હાઈવે પર મોટા પિલર ઊભા કરી પૂરતી ઊંચાઈ અને ચાર લેન જેટલી પહોળાઈ ધરાવતો ખુલ્લો માર્ગ બનાવવાની ભલામણ કરવામાં આવી છે. અગાઉ ટુકવાડા અંડરપાસની ડિઝાઇનમાં પણ આ પ્રકારનો સુધારો સફળતાપૂર્વક કરવામાં આવ્યો હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 ડો. નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું છે કે, આ બંને લોકહિતલક્ષી યોજનાઓ સાકાર થાય તો ગુજરાત અને મહારાષ્ટ્રના હજારો નાગરિકોને લાંબા સમય સુધી તેનો સીધો લાભ મળશે. માર્ગ અકસ્માતોમાં ઘટાડો થવાની સાથે મુસાફરી વધુ સુરક્ષિત અને સરળ બનશે તથા આંતરરાજ્ય માર્ગ જોડાણને પણ નવી દિશા મળશે. આથી રાજ્ય સરકાર દ્વારા બંને રજૂઆતો પર ગંભીરતાપૂર્વક વિચારણા કરી સંબંધિત વિભાગના અધિકારીઓ પાસે સચોટ ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવી વહેલી તકે જરૂરી મંજૂરી અને અમલીકરણ માટે નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.