હનમતમાળમાં અધૂરા રસ્તાના કામથી ગ્રામજનો પરેશાન
- byDamanganga Times
- 16 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૫ ઃ ધરમપુર તાલુકાના હનમતમાળ ગામે આબોશી મેઈન રોડથી આશ્રમશાળા તરફ જતો માર્ગ હાલ વાહનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલીરૂપ બન્યો છે. ચોમાસા પૂર્વે રસ્તા પર મેટલ (કાંકરી) પાથરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ચોમાસાની શરૂઆત થતાં જ કામ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું હતું.
ચોમાસું પૂર્ણ થવા સાથે દિવાળીનો તહેવાર પણ વીતી ગયો હોવા છતાં રસ્તાનું બાકી કામ હજુ શરૂ કરવામાં આવ્યું નથી. રસ્તા પર પથરાયેલી છૂટી કાંકરીના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે અને અકસ્માત થવાની શક્યતા વધી રહી છે.
રસ્તાની આ સ્થિતિને લઈને સ્થાનિક ગ્રામજનોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી અધૂરા રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.
