ગણદેવી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ચાર કામો સર્વાનુમતે મંજૂર
- byDamanganga Times
- 07 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૦૬ ઃ ગણદેવી તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા ગુરુવાર બપોરે તાલુકા પંચાયત ભવનના સભાખંડમાં પ્રમુખ પુષ્પાબેન પટેલની અધ્યક્ષતામાં મળી હતી. સભામાં ઍજન્ડા પરનાં ચારેય કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત તાલુકા બાળ સુરક્ષા સમિતિની રચના કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગત ચોમાસા દરમિયાન તાલુકાનાં અનેક ગામોમાં સર્જાયેલી ભયાવહ પૂરપરિસ્થિતિ, પૂરગ્રસ્તોને સહાયની ચૂકવણી, નદીઓના સાંકડા બનેલા પટ્ટ અને પાણીના વહેણમાં અવરોધ સહિતના મહત્ત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.સભાની શરૂઆતમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી પર ચર્ચા કરી તેને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ ગત ચોમાસાની ઋતુ દરમિયાન તાલુકાનાં વિવિધ ગામોમાં સર્જાયેલી ગંભીર પૂરપરિસ્થિતિનો મુદ્દો ઉપસ્થિત થયો હતો. દરમિયાન સભ્ય પ્રિયંકા પટેલે નદીઓ દરિયાને મળે છે તેવા વિસ્તારોમાં નદીના પટ્ટા અત્યંત સાંકડા બની ગયા હોવાથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. નદીના કુદરતી વહેણમાં અવરોધ ઊભા થતાં ભારે વરસાદના સમયે આસપાસનાં ગામોમાં પૂરનું જોખમ વધતું હોવાની બાબતે તેમણે તંત્રનું ધ્યાન દોર્યું હતું.આ પ્રશ્નના જવાબમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મહેશ હળપતિઍ જણાવ્યું હતું કે દેવધા ડેમથી દરિયા સુધીના નદીના પટ્ટનું ઉપગ્રહ આધારિત સર્વેક્ષણ કરવામાં આવી રહ્નાં છે. આગામી ચોમાસા દરમિયાન ફરીથી પૂર જેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે અત્યારથી જ જરૂરી આયોજન અને પગલાં લેવામાં આવશે તેમ જણાવી ઉપપ્રમુખે સભ્યોને વિશ્વાસ અપાવ્યો હતો. તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલન જરૂરી હોવાનું પણ ચર્ચાયું હતું. સભામાં તાલુકા બાળ સુરક્ષા સમિતિની રચના અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાળકોના હિત અને સુરક્ષાને લગતી બાબતોમાં જરૂરી સંકલન અને દેખરેખ માટે આ સમિતિ મહત્ત્વપૂર્ણ બની રહેશે.અંતમાં પ્રમુખ પુષ્પાબેન પટેલે ઉપસ્થિત તમામ સભ્યો અને અધિકારીઓને દિવાળીના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. સભામાં કારોબારી સમિતિના ચેરમેન પાર્થિવ નાયક, સતીષ કટારીયા, મનોજ પટેલ, પ્રતીક પટેલ, સીમા ટંડેલ સહિત તાલુકા પંચાયતના તમામ સભ્યો, વિસ્તરણ અધિકારી વંદના બોરસીવાલા, હિના પટેલ તથા ઍટીડીઓ કેતન પટેલ ઉપસ્થિત રહ્ના હતા. ઍકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી સભાનું સમાપન કરવામાં આવ્યું હતું.
