Damanganga Times.

Damanganga Times.

November 07, 2026

ધોલાઈ બંદર ખાતે સરકારી જમીન પરના ૩૪ દબાણો સ્વખર્ચે દૂર કરાયા

ધોલાઈ બંદર ખાતે સરકારી જમીન પરના ૩૪ દબાણો સ્વખર્ચે દૂર કરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૦૬ ઃ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીનોને અનધિકૃત દબાણોથી મુક્ત કરાવવા માટે સઘન ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી તેમજ ગણદેવી મામલતદાર દીપિકા રોઝ દ્વારા ગણદેવી તાલુકાના બીલીમોરા નજીક આવેલા ધોલાઈ બંદર ખાતે સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે લાલ આંખ કરવામાં આવી હતી. આ અંતર્ગત સરકારી જમીન પચાવી પાડનારા અંદાજે ૩૪ જેટલા આસામીઓને મામલતદાર દ્વારા જમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૧ હેઠળ ગત તા. ૨૯મી સપ્ટેમ્બર સહિત ઓક્ટોબર માસમાં તબક્કાવાર કુલ ચાર નોટિસો ફટકારી સ્વેચ્છાઍ જમીન ખાલી કરવા આખરી તાકીદ કરાઈ હતી.

   વહીવટી તંત્રના આ કડક અને મક્કમ વલણને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો, જેના પરિણામે તમામ ૩૪ જેટલા દબાણકર્તાઓઍ તંત્રની સંભવિત ડિમોલિશન કાર્યવાહી પૂર્વે જ પોતાના ખર્ચે અનધિકૃત બાંધકામો સ્વેચ્છાઍ દૂર કરી લીધા હતાં. મંગળવારે પ્રાંત અધિકારી તથા મામલતદારે સ્થળ પર સંયુક્ત મુલાકાત લઈને દબાણો દૂર થયાની જાતતપાસ અને સ્થિતિની સમીક્ષા કરી હતી. સરકારી મિલકતોનું રક્ષણ થાય અને જાહેર હિત જળવાઈ રહે તે માટે આગામી દિવસોમાં પણ ગેરકાયદે દબાણો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંકેત તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.