સેલવાસની કંપનીમાં ૧૨ કલાકની શિફટથી નારાજ કામદારો શ્રમ વિભાગે પહોંચ્યા
- byDamanganga Times
- 06 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૦૫ ઃ પિપરીયા સ્થિત સર્લા પરફોર્મન્સ ફાઇબર્સ લિમિટેડમાં બુધવારે કામદારોનો અસંતોષ સામે આવ્યો હતો. કંપનીમાં કામ કરતા આશરે ૧૦૦ કામદારોઍ કામકાજ બંધ કરી સિલવાસા સ્થિત શ્રમ વિભાગનો સંપર્ક કર્યો હતો. કામદારોઍ કામના સ્થળે કથિત હેરાનગતિ અને ૧૨ કલાકની લાંબી શિફટ અંગે નારાજગી વ્યક્ત કરી હાલની શિફટ વ્યવસ્થામાં ફેરફાર કરીને ૮ કલાકની શિફટ લાગુ કરવાની માંગ કરી હતી.
કામદારોના આક્ષેપ મુજબ, કંપનીમાં ફરજ દરમિયાન તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરિસ્થિતિ ઍવી છે કે કામના સમય દરમિયાન પાણી પીવા જવા જેવી સામાન્ય અને પાયાની જરૂરિયાત માટે પણ તેમને કથિત રીતે હેરાન કરવામાં આવે છે. કામદારોના જણાવ્યા અનુસાર, પાણી પીવા જવા બદલ પણ સવાલો કરવામાં આવે છે અને તેમને પરેશાન કરવામાં આવે છે.
કામદારોનું કહેવું છે કે ૧૨ કલાકની લાંબી શિફટના કારણે પણ તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ શિફટ વ્યવસ્થામાં ફેરફાર કરવા તેમજ કામના સ્થળે કર્મચારીઓ સાથે સન્માનજનક વ્યવહાર કરવામાં આવે તેવી માંગ સાથે આશરે ૧૦૦ કામદારોઍ કામ બંધ કરી શ્રમ વિભાગ સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરી હતી.
આ ઘટનાને પગલે હવે શ્રમ વિભાગની ભૂમિકા મહત્વપૂર્ણ બની છે. કામદારોની ફરિયાદો અંગે વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને કંપનીના સંચાલકો સાથે ચર્ચા કરીને વિવાદનો ઉકેલ લાવવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે આ મામલે કંપની સંચાલકોનો પક્ષ અને શ્રમ વિભાગ દ્વારા કરવામાં આવનારી આગામી કાર્યવાહી અંગેની વિગતો હજી સામે આવી નથી.
