કાંજણરણછોડ ગ્રા.પં.ના મહિલા સભ્યને ગેરલાયક ઠરાવાયા
- byDamanganga Times
- 03 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ વલસાડ તાલુકાની કાંજણરણછોડ ગ્રામ પંચાયતના વોર્ડ નં-૩ ના સભ્ય સામે ગેરરીતિ અને નાણાકીય લાભ મેળવવાના મામલે પંચાયતના નિયમોનું ઉલ્લંઘન કરી પતિના નામે પંચાયતમાંથી કામનું ચૂકવણું મેળવવા બદલ સભ્ય હોદ્દા પરથી તાત્કાલિક અસરથી ગેરલાયક ઠેરવતો હુકમ તાલુકા વિકાસ અધિકારી ઍ કરતા પંચાયતના સભ્યોમાં ખડભરાટ મચી ગયો છે. વલસાડ તાલુકાના કાજણ રણછોડ ગામે રહેતા અરજદાર રતિલાલ છગનભાઈ પટેલ દ્વારા ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ અંતર્ગત રજૂઆત કરવામાં આવી હતી કે, કાંજણરણછોડ ગ્રામ પંચાયતના વોર્ડ નં-૩ ના સભ્ય રોશનાબેન પટેલે પોતાના પરિવારના સભ્યને પંચાયતનું કામ આપી નાણાકીય લાભ પહોંચાડ્યો છે. આ અરજીના પગલે તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં સામે આવ્યું હતું કે, ગ્રામ પંચાયત કાંજણરણછોડ દ્વારા સભ્યના પતિ મનીષભાઈ ડી. પટેલના નામે રસ્તા રીપેરીંગના માલ-મટીરીયલ પેટે ૧૩,૪૦૦ નું ચૂકવણું ચેક મારફતે કરવામાં આવ્યું હતું. આ બાબતે તાલુકા પંચાયત કચેરી દ્વારા નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવતા સભ્યે લેખિત જવાબ આપ્યો હતો કે, તેમના પતિ અન્ય મિત્રો સાથે માલ-મટીરીયલ સપ્લાયનું કામ કરતા હોવાથી રસ્તા રીપેરીંગનું કામ કરવામાં આવ્યું હતું અને કાયદાની યોગ્ય જાણકારીના અભાવે આ ભૂલ થઈ હતી. જોકે, સક્ષમ અધિકારી દ્વારા આ ખુલાસો ગ્રાહ્ના રાખવામાં આવ્યો નહોતો. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૩૦(જ) અનુસાર, ગ્રામ પંચાયતના કોઈપણ સભ્ય અથવા તેમના ભાગીદાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પંચાયતના કામમાં કે નાણાકીય વ્યવહારમાં હિત સંબંધ ધરાવતા હોય તો તેઓ સભ્ય પદે ચાલુ રહેવા ગેરલાયક ઠરે છે. આ જોગવાઈ અને કલમ ૩૨ હેઠળ મળેલી સત્તાની રૂઍ વલસાડ તાલુકા વિકાસ અધિકારી કેતન ઍ. સોલંકીઍ કાંજણરણછોડ ગ્રામ પંચાયતના સભ્ય રોશનાબેન મનીષભાઈ પટેલને પંચાયત સભ્ય તરીકે તાત્કાલિક અસરથી ગેરલાયક ઠેરવતો આખરી હુકમ જારી કર્યો છે.
