Damanganga Times.

Damanganga Times.

November 03, 2026

આજે વલસાડ જિ.પં.ના નવા ભવનનું પણ લોકાર્પણ

આજે વલસાડ જિ.પં.ના નવા ભવનનું પણ લોકાર્પણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ  રાજય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રૂ. ૩૭.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ જિલ્લા પંચાયતના આધુનિક અને સુવિધા સભર ભવનનું લોકાર્પણ તા. ૩ નવેમ્બરના રોજ સવારે ૧૦ કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરાશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
આ પ્રસંગે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ્ય ગૃહનિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ, આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ અને મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસના રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ મહિડા, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ તેમજ જિલ્લાના સર્વે ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
દિવાળી પૂર્વે ગ્રાઉન્ડ પાંચ ઍટલે કે છ માળના આધુનિક જિલ્લા પંચાયત ભવનની નાગરિકોને ભેટ મળવાથી નાગરિકોને સરકારી કામકાજ માટે અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવાની મુશ્કેલી ઘટશે. આ ભવનની સૌથી મોટી વિશેષતા ઍ છે કે, જિલ્લા કક્ષાની વિવિધ પંચાયત કચેરીઓને ઍક જ સંકુલમાં કાર્યરત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આનાથી વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધશે, વહીવટી કામગીરી વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બનશે અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બે પેસેન્જર લિફટ, અધિકારીઓ માટે બે લિફટ અને ત્રણ દાદરની વ્યવસ્થા કરવામાં આવી છે.
દિવ્યાંગજનો સહિત તમામ નાગરિકો સરળતાથી અવરજવર કરી શકે તેવી સુલભ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.