Damanganga Times.

Damanganga Times.

November 02, 2026

નાનાપોંઢામાં ગ્રામપંચાયત કચેરી અને ‘નંદ ઘર આંગણવાડી’નું લોકાર્પણ

નાનાપોંઢામાં ગ્રામપંચાયત કચેરી અને ‘નંદ ઘર આંગણવાડી’નું લોકાર્પણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૧ ઃ કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીના હસ્તે નાનાપોંઢા લુહાર ફળિયામાં ગુજરાત ઍનર્જીના સહયોગથી નિર્મિત આધુનિક ‘નંદ ઘર આંગણવાડી’ અને નવનિર્મિત નાનાપોંઢા ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળકોનું સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષણ અને સર્વાંગી વિકાસ ઍ સુવિકસિત સમાજના નિર્માણનો પાયો છે. બાળપણથી જ બાળકોને યોગ્ય પોષણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

આ અવસરે ધારાસભ્યે જણાવ્યું હતું કે, નંદ ઘર જેવી આધુનિક આંગણવાડીઓ ગ્રામ્ય વિસ્તારનાં બાળકોને શિક્ષણ, આરોગ્ય અને પોષણની વધુ સારી સુવિધાઓ પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે સરકારની વિકાસલક્ષી પહેલોમાં સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગોનો સહયોગ ગ્રામ્ય વિકાસને નવી ગતિ આપે છે. આ ઉમદા કાર્યમાં સહભાગી બનવા બદલ ગુજરાત ઍનર્જીનો આભાર વ્યક્ત કર્યો હતાં. ધારાસભ્યે ગ્રામ પંચાયત લોકાર્પણ અવસરે નવીન ગ્રામ પંચાયત કચેરીના નિર્માણથી સ્થાનિક નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ ઍક જ સ્થળેથી સરળતાથી અને સુવિધાજનક રીતે ઉપલબ્ધ થશે અને ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક સુવિધાઓનો વ્યાપ વધે, વહીવટી વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને નાગરિકોને ઘરઆંગણે જ સરકારી સેવાઓનો લાભ મળે તેવા હેતુ રાજ્ય સરકારનો હોવાનું જણાવ્યું હતું.  આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, આગેવાનો, અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.