Damanganga Times.

Damanganga Times.

November 02, 2026

ગાડરિયામાં પરણિતાની આત્મહત્યા પ્રકરણમાં સાસરિયા સામે દુષ્પ્રેરણનો ગુનો દાખલ

ગાડરિયામાં પરણિતાની આત્મહત્યા પ્રકરણમાં સાસરિયા સામે દુષ્પ્રેરણનો ગુનો દાખલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૧ ઃ વલસાડ તાલુકાના ગાડરિયા   ગામે સાસરિયાંના ત્રાસથી કંટાળીને ૨૪ વર્ષીય પરિણીતાઍ પોતાના બેડરૂમમાં લોખંડના ઍંગલ સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે મૃતકના પિતાઍ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પતિ અને સસરા વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ ગુજારી આત્મહત્યા કરવા મજબૂર કરવાનો ગુનો નોંધાવ્યો છે.  વલસાડના ધમડાચી ગામના વતની મિથનભાઈ બાબુભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની ૨૪ વર્ષીય દીકરી મેઘનાના લગ્ન તા. ૨૭ માર્ચ ૨૦૨૪ના રોજ સામાજિક રીતરિવાજ મુજબ વલસાડ ના ગાડરિયા ગામના  દાદરી ફળિયામાં  રહેતા જીગરકુમાર મહેશભાઈ પટેલ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેઓને ૭-૧૫ માસની ઍક દીકરી પણ છે.  લગ્નના બે મહિના બાદથી જ પતિ જીગરકુમાર પત્ની મેઘનાના ચારિત્ર્ય ઉપર ખોટી શંકા રાખીને વારંવાર બોલાચાલી તેમજ ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. મેઘના બ્યુટી પાર્લરનું કામ કરતી હોવાથી અને તેના નાણાં પોતાના મોબાઈલમાં જમા કરાવતી હોવા છતાં પતિ વહેમ રાખી ત્રાસ આપતો હતો. આ ઉપરાંત સસરા મહેશભાઈ પ્રેમાભાઈ પટેલ પણ નજીવી બાબતોમાં ખોટી ટોકટોક કરી મેઘનાને હેરાન-પરેશાન કરવા માટે પુત્રની ચડામણી કરતા હતા. સાસરિયાંના આ પ્રકારના વ્યવહારથી કંટાળીને અગાઉ મેઘનાઍ રેલવે ટ્રેક પર જઈ આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, જોકે તે સમયે પરિવારજનોઍ સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. દરમિયાન, ગત ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાત્રે ૧૦ઃ૦૦ થી ૧૦ઃ૪૫ વાગ્યાના સુમારે સાસરિયાંના સતત ત્રાસ અને દુષ્પ્રેરણથી કંટાળી જઈ મેઘનાઍ પોતાના રૂમમાં લોખંડના ઍંગલ સાથે કપડું બાંધી ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું હતું.  આ બનાવ સંદર્ભે મૃતકના પિતાની ફરિયાદના આધારે વલસાડ રૂરલ પોલીસે પતિ જીગરકુમાર પટેલ તથા સસરા મહેશભાઈ પટેલ વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.