વાપી હાઈવે પર જય રિસર્ચ પાસે બ્રિજનું કામ શરુ
- byDamanganga Times
- 02 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ વાપી નજીક હાઇવે પર ભીલાડ તરફ જય રિસર્ચથી આગળ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઓવરબ્રિજના નિર્માણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બ્રિજ બનવાથી નાહુલી અને દમણગંગા નદી કિનારે આવેલા ઇન્ડસ્ટ્રીયલ હબ તરફ જતા વાહનચાલકોને મોટી રાહત મળશે.
જાણવા મળ્યા મુજબ નાહુલી તરફ અનેક નાના અને મધ્યમ ઉદ્યોગો કાર્યરત છે, તેમજ હાઇવે કિનારે મોટો ઇન્ડસ્ટ્રીયલ હબ પણ આવેલો છે. જ્યાં રોજના સેંકડો વાહનોની અવરજવર રહે છે. પરંતુ ત્યાં ક્રોસિંગની સુવિધા ન હોવાથી વાહનચાલકોને ખોટી સાઈડમાં વાહન ચલાવવું પડતું હતું અથવા તો કરમબેલી ઓવરબ્રિજ સુધીનો લાંબો ચક્કર કાપવો પડતો હતો.
જેના કારણે અકસ્માતનો ભય સતત રહેતો હતો. હવે આ નવા ઓવરબ્રિજના નિર્માણથી વાહનો તેની નીચેથી આરામથી અને સુરક્ષિત રીતે બીજી તરફ જઈ શકશે. ખોટી દિશામાં વાહન ચલાવવાની સમસ્યાનો અંત આવશે અને હાઇવે પર થતા અકસ્માતોમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈના પ્રયાસો થકી નિર્માણ પામી રહેલા બ્રિજથી હજારો વાહનચાલકોને રાહત થશે.
