Damanganga Times.

Damanganga Times.

October 30, 2026

દમણથી મોદીને અપાયેલી ભેટોની અોનલાઈન હરાજી શરુ

દમણથી મોદીને અપાયેલી ભેટોની અોનલાઈન હરાજી શરુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૯ ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશભરમાંથી ભેટ આપવામાં આવેલા વિવિધ સ્મૃતિચિહ્નોની ઓનલાઈન હરાજી શરૂ થઈ છે. આ હરાજીમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવમાંથી વડાપ્રધાનને ભેટ આપવામાં આવેલા અનેક સ્મૃતિચિહ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પીઍમ મેમેન્ટોઝની ઈ-હરાજી વેબસાઈટ પર દમણથી ભેટ આપવામાં આવેલા સ્મૃતિચિહ્નોની પ્રારંભિક બોલી નક્કી કરવામાં આવી છે. જેમાં ભાજપના મહામંત્રી જીગ્નેશ પટેલ  દ્વારા વડાપ્રધાનને ભેટ આપવામાં આવેલું ડમરૂવાળું ત્રિશૂળ મુખ્ય આકર્ષણ છે. આ ત્રિશૂળની હરાજીની શરૂઆત ૧ લાખ ૮૦ હજાર રૂપિયાની બોલીથી થશે.
તેવી જ રીતે જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા વડાપ્રધાનને ભેટ આપવામાં આવેલી કન્વેન્શન સેન્ટરની ગોલ્ડન પ્રિન્ટ ફ્રેમની પ્રારંભિક બોલી ૧ લાખ ૨૦ હજાર રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા વડાપ્રધાનને ભેટ આપવામાં આવેલી પર્યટનના લોગોવાળી તસવીરની પ્રારંભિક બોલી ૩૦ હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત દીવના ઐતિહાસિક પાણીકોટા કિલ્લાને દર્શાવતી ઍમ્બ્રોઇડરી ફ્રેમનો પણ હરાજીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેની પ્રારંભિક બોલી ૯૦ હજાર રૂપિયાથી શરૂ થશે.
દમણ-દીવ સહિત સમગ્ર સંઘપ્રદેશમાંથી વડાપ્રધાનને ભેટ આપવામાં આવેલા અન્ય સ્મૃતિચિહ્નો પણ આ ઓનલાઈન હરાજીમાં સામેલ છે. આ હરાજી ૧૦ નવેમ્બર સુધી ચાલુ રહેશે. રસ ધરાવતા લોકો પીઍમ મેમેન્ટોઝની સત્તાવાર ઈ-હરાજી વેબસાઈટ પર જઈને બોલી લગાવી શકશે. આ સ્મૃતિચિહ્નો દ્વારા દમણ-દીવની સાંસ્કૃતિક વિરાસત, પર્યટન અને વિકાસની ઓળખ રાષ્ટ્રીય સ્તરે રજૂ થઈ રહી છે.