Damanganga Times.

Damanganga Times.

October 29, 2026

ખડકલા રોડના ડિવાઈડરમાં લગાવેલા વૃક્ષોનું બાળમરણ!

ખડકલા રોડના ડિવાઈડરમાં લગાવેલા વૃક્ષોનું બાળમરણ!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ વાપીના ખડકલા રોડ પર ડિવાઈડરમાં અગાઉ કરવામાં આવેલા  વૃક્ષારોપણમાં મોટાભાગના વૃક્ષોનું બાળમરણ થતાં હવે મહાનગરપાલિકા દ્વારા ફરીથી નવાં વૃક્ષો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, અગાઉ લગાવવામાં આવેલા મોટાભાગનાં વૃક્ષો સુકાઈ જતાં વૃક્ષારોપણની કામગીરી અને તેની જાળવણી સામે અનેક સવાલો ઊભા થયા છે. વાપી મહાનગરપાલિકા દ્વારા કુંભારવાડથી દેસાઈવાડ, આરી ફળિયા થઈ ખડકલા તરફ જતા માર્ગને પહોળો કરવામાં આવ્યો હતો. આ માર્ગ પર ડિવાઈડર બનાવવા ઉપરાંત સ્ટ્રીટ લાઈટની સુવિધા ઊભી કરવામાં આવી હતી અને રસ્તાની બંને બાજુઍ ડ્રેનેજ લાઇન પણ બનાવવામાં આવી હતી. ત્યારબાદ ગત ચોમાસા પહેલાં માર્ગના ડિવાઈડરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જોકે, આ વૃક્ષારોપણના થોડા જ સમયમાં ડિવાઈડરમાં લગાવવામાં આવેલાં લગભગ મોટાભાગના  વૃક્ષો સુકાઈ જતાં તેનુ બાળમરણ થયું હોવાનું સામે આવ્યું છે. હવે આ જ ડિવાઈડરમાં ફરીથી નવાં વૃક્ષો લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, અગાઉ લગાવવામાં આવેલાં આટલાં મોટાં પ્રમાણમાં વૃક્ષોનું બાળમરણ કયા કારણોસર થયું, વૃક્ષારોપણ વખતે યોગ્ય કાળજી રાખવામાં આવી હતી કે નહીં અને ત્યારબાદ વૃક્ષોની નિયમિત જાળવણી કરવામાં આવી હતી કે નહીં તેવા સવાલો વાપી પંથકમાં ચર્ચાઈ રહ્ના છે.
આ સમગ્ર મામલે વાપી મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને વૃક્ષારોપણની કામગીરીમાં બેદરકારી જણાય તો જવાબદાર ઍજન્સી સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માગ ઊઠી રહી છે. સાથે જ નવાં વૃક્ષોનું ફરીથી બાળમરણ ન થાય તે માટે યોગ્ય જાળવણી અને દેખરેખ રાખવામાં આવે તેવી પણ લોકોની અપેક્ષા છે.