Damanganga Times.

Damanganga Times.

October 29, 2026

વાઘછીપામાં ઈ-ચલણની APK ફાઈલથી ઠગાઈ

વાઘછીપામાં ઈ-ચલણની APK ફાઈલથી ઠગાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૮ ઃ પારડી તાલુકાના મોટા વાઘછીપા ખાતે રહેતા આધેડને વોટ્સઍપ પર ફ્રોડ ઈ-ચલણની ઍપ્લિકેશન મોકલી મોબાઇલ હેક કરી તેમના બેંક ખાતામાંથી રૂ. ૯૧ હજારની ઓનલાઇન ઠગાઈ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર નિલેશકુમાર જીવરાજભાઈ લેઉવા પટેલે અજાણ્યા શખસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મોટા વાઘછીપા ઝંડાચોક ખાતે રહેતા અને વાપીના કુંતા ગામે આવેલી મહાલક્ષ્મી ક્વોરીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા નિલેશકુમાર પટેલનું બેંક ઓફ બરોડામાં ખાતું છે. તેઓ પોતાના મોબાઇલમાં ગૂગલ પેનો ઉપયોગ કરતા હતા. ફરિયાદ મુજબ, તા. ૨૬ ઓક્ટોબરના રોજ સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં તેમના વોટ્સઍપ પર ફ્રોડ ઈ-ચલણની ઍપ્લિકેશન આવી હતી. મોબાઇલમાં ઓટો-ડાઉનલોડ ચાલુ હોવાથી આ ઍપ્લિકેશન આપમેળે ડાઉનલોડ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમનો મોબાઇલ હેક થઈ ગયો હતો અને આશરે ત્રણથી ચાર મિનિટ સુધી મોબાઇલમાં કોઈ પ્રક્રિયા થતી ન હતી થોડીવાર બાદ મોબાઇલ ફરી ચાલુ થતાં નિલેશભાઈને રૂ. ૨,૦૦૦ની જરૂર પડી હતી. તેમની પાસે રોકડ રકમ ન હોવાથી તેમણે બાજુમાં રહેતાં નિમિષાબેન અમિતભાઈ પટેલને ગૂગલ પે મારફતે નાણાં ટ્રાન્સફર કરવા પ્રયાસ કર્યા હતાં. જોકે, ગૂગલ પેમાં બેલેન્સ ઓછું હોવાનું જણાતાં તેમણે પોતાના બેંક ખાતાની તપાસ કરી હતી. આ દરમિયાન ખાતામાં રહેલા રૂ. ૯૧,૯૬૧માંથી માત્ર રૂ. ૯૬૦ જ બાકી હોવાનું જાણવા મળ્યું હતું. ખાતાની તપાસ કરતાં અજાણ્યા શખસે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. ૯૧,૦૦૦ લોકેન્દ્ર ગૌતમના નામે દર્શાવાતા ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હોવાનું સામે આવ્યું હતું. આથી પોતાની સાથે ઓનલાઇન ઠગાઈ થઈ હોવાનું જણાતાં નિલેશભાઈઍ પત્ની અને પાડોશીને જાણ કરી હતી. ત્યારબાદ તેમણે સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત સાયબર ક્રાઇમ પોર્ટલ પર પણ અરજી કરવામાં આવી હતી. આ મામલે નિલેશકુમાર પટેલે અજાણ્યા શખસ વિરુદ્ધ મોબાઇલ હેક કરી ગૂગલ પે મારફતે રૂ. ૯૧ હજારની ઓનલાઇન ઠગાઈ કરવા અંગે ફરિયાદ નોંધાવી છે પારડી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.