જિલ્લા-સંઘપ્રદેશમાં પ્રકાશ પર્વને મોîઘવારીનું ગ્રહણ
- byDamanganga Times
- 29 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ સમગ્ર દેશ સહિત દક્ષિણ ગુજરાતમાં દિવાળી અને નૂતન વર્ષની રંગારંગ ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ વર્ષે મોંઘવારીનો માર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડવાનો છે. દિવાળીના પર્વ પર ફટાકડાના ધૂમધડાકા સાથે ઉજવણી કરવાનું પણ મોંઘું બન્યું છે. ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં ૨૦થી ૩૫ ટકા સુધીનો તોતિંગ વધારો થતાં ફટાકડાની ખરીદી માટે ગ્રાહકોઍ વધુ નાણાં ખર્ચવા પડશે. ભાવવધારા પાછળ કાચા માલ અને પેકિંગ સામગ્રીના વધેલા ભાવ ઉપરાંત ઉત્પાદનમાં થયેલો ઘટાડો મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. દેશમાં ફટાકડાના ઉત્પાદનના મુખ્ય કેન્દ્ર શિવાકાશીમાં ચોમાસા દરમિયાન પહેલાં પડેલા ભારે વરસાદની અસર ફટાકડાના ઉત્પાદન પર પડી છે. બીજી તરફ, રાજકોટ અને અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીઓમાં સર્જાયેલી દુર્ઘટનાઓ બાદ સુરક્ષાના કારણોસર રાજ્યભરમાં અનેક ઍકમો ત્રણ મહિના સુધી બંધ રહ્ના હતા. ફટાકડા અને આતશબાજી બનાવવા માટેના કાચા માલના ભાવ ઘટવાની રાહ જોતા ઉત્પાદકોઍ ઉત્પાદન પ્રક્રિયા મોડી શરૂ કરી હતી. તેના કારણે સમગ્ર સપ્લાય ચેઇન ખોરવાઈ છે, જેની સીધી અસર બજારમાં ફટાકડાના ભાવ પર જોવા મળી રહી છે.
વાપીમાં છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના સમયગાળા દરમિયાન હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરતા વેપારીબીમલ શાહ અને યતીન શાહના જણાવ્યા અનુસાર, આ વર્ષે ભાવમાં થયેલા વધારાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ફટાકડાની ખરીદી મોંઘી બનશે. પરિણામે, ફટાકડાની ખરીદીમાં લોકો પોતાના બજેટને ધ્યાનમાં રાખીને ખર્ચ કરે તેવી શક્યતા છે. જોકે, દિવાળી નો તહેવાર તારીખ ૭ નવેમ્બર થી ૧૦ નવેમ્બર ની તારીખ વચ્ચે કંપનીઓમાં તેમજ કેટલીક ખાનગી પેઢીઓમાં પગાર અને બોનસ મળતા નોકરિયાતો તથા ઔદ્યોગિક કામદારો બજારમાં ખરીદી માટે નીકળશે તેવી વેપારીઓને આશા છે. તહેવારના દિવસોમાં પગાર અને બોનસની આવકથી બજારમાં ખરીદીનો માહોલ જામશે અને ભાવવધારા છતાં ફટાકડાના વેપારમાં ઘરાકી નીકળશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
