Damanganga Times.

Damanganga Times.

October 28, 2026

વાપી મનપાની સામાન્ય સભા ૩૦ ઓક્ટો. મળશે

વાપી મનપાની સામાન્ય સભા ૩૦ ઓક્ટો. મળશે


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપી મહાનગરપાલિકાની આગામી સામાન્ય સભા તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧ઃ૩૦ કલાકે મેયર દક્ષાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળશે. આ સભામાં શહેરના વિકાસને લગતા વિવિધ મહત્વના કામો તેમજ વહીવટી મુદ્દાઓ અંગે ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવશે.
સામાન્ય સભામાં વાપીના કરવડ અને વટાર વિસ્તારમાં ફાયર સ્ટેશનના બાંધકામ માટે જમીનની ફાળવણી, ભરવાડ વિસ્તારમાં કોમ્યુનિટી હોલના નિર્માણ સહિતના મુદ્દાઓ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, મહાનગરપાલિકા વિસ્તારમાં શેરી સફાઈ અને ઝાડી કાપવાની કામગીરી માટે ઍજન્સીઓ પાસેથી ટેન્ડર મંગાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
સાથે જ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૨૬ના આધારે ઘન કચરા વ્યવસ્થાપનને લગતી મંજૂરી આપવા તેમજ સ્થાયી સમિતિની ભલામણ મુજબનાં વિવિધ વિકાસલક્ષી કામો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે.
આ ઉપરાંત, વાપી નગર નિયોજન સમિતિના ઠરાવ મુજબ વાપી અર્બન ડેવલપમેન્ટની વિકાસ યોજનાની દરખાસ્ત સરકારમાં મોકલવા માટે બહાલી આપવાનો મુદ્દો પણ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે.
વાપી મહાનગરપાલિકાની આ સામાન્ય સભામાં શહેરના વિકાસ, અગ્નિશમન સેવાઓની સુવિધા, સ્વચ્છતા વ્યવસ્થા અને શહેરી આયોજનને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની હોવાથી સભા મહત્વપૂર્ણ બની રહેશે.