જિલ્લામાં ગ્રા.પં.ની ચૂંટણીના પડઘમથી થનગનાટ
- byDamanganga Times
- 28 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૭ ઃ વલસાડ જિલ્લાના ૬ તાલુકાઓની ૪૦૦થી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનો માહોલ જામી રહ્ના છે ત્યારે સ્થાનિક રાજકારણમાં ઍક રસપ્રદ અને ચર્ચાસ્પદ સ્થિતિ સર્જાઈ છે. તાલુકા પંચાયતમાં ભાજપ પક્ષ તરફથી ચૂંટાઈ આવેલા કેટલાક મહિલા સભ્યો હવે પોતાના ગામમાં સરપંચ બનવા માટે સક્રિય બની ચૂંટણી મેદાને ઝંપલાવવા થનગની રહ્ના હોવાનું સામે આવ્યું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સરપંચ પદ માટે અનામત બેઠકોની યાદી જાહેર કરવામાં આવતાં જ, જે ગામોમાં સામાન્ય મહિલા કે આદિવાસી મહિલા અનામત બેઠકો આવી છે ત્યાં હાલ તાલુકા પંચાયતમાં પ્રતિનિધિત્વ ધરાવતી મહિલા સભ્યોની મહત્વકાંક્ષાઓ જાગી છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે તાલુકા, જિલ્લા માં ચૂંટણીઓમાં મહિલા ઉમેદવારો પોતાના પતિના રાજકીય વગ કે પક્ષના ઉચ્ચ હોદ્દેદારોની ભલામણોના આધારે પક્ષની ટિકિટ મેળવતી હોય છે. પક્ષના પ્રતીક અને સંગઠનની તાકાત પર ચૂંટણી જીતીને તાલુકા પંચાયત સુધી પહોંચ્યા બાદ, હવે ગ્રામ પંચાયતમાં ગામનું સુકાન સંભાળવા માટે તેઓ ફરીથી દાવેદારી નોંધાવવા ઉતાવળા બન્યા છે. આ સ્થિતિને પગલે ભાજપ સંગઠન અસમંજસમાં મુકાયું છે. પક્ષ દ્વારા જેને તાલુકા કક્ષાઍ જવાબદારી સોંપાઈ હોય તેવા પ્રતિનિધિઓ જો ગ્રામ પંચાયત કક્ષાઍ ઉમેદવારી કરે, તો અન્ય પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરોને તકથી વંચિત રહેવું પડે છે. સ્થાનિક સ્તરે ઊભી થયેલી આ ખેંચતાણના કારણે પક્ષમાં આંતરિક વિરોધાભાસ અને નારાજગી ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. રાજકીય વર્તુળોમાં ઍવી પણ ચર્ચા ચાલી રહી છે કે, જો આ જ પ્રકારે તાલુકા કે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો નીચલા સ્તરની ચૂંટણીઓમાં પણ દાવેદારી કરતા રહેશે, તો ભવિષ્યમાં પ્રદેશ અને જિલ્લા ભાજપ સંગઠને મહિલાઓને ટિકિટ ફાળવતી વખતે ‘ચૂંટાયા પછી અન્ય પદ માટે દાવેદારી નહીં કરે’ તેવું સોગંદનામું લેવાની ફરજ પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. હાલ તો ગ્રામીણ ચૂંટણી જાહેર થતાંની સાથે જ વલસાડ પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
