Damanganga Times.

Damanganga Times.

October 26, 2026

ખડગેના વિવાદી નિવેદન સામે સાંસદ ધવલભાઈનો વિરોધ

ખડગેના વિવાદી નિવેદન સામે સાંસદ ધવલભાઈનો વિરોધ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૫ ઃકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વારંવાર ગુજરાત, ગુજરાતીઓ તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું અપમાન કરવા સામે વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલે આકરા શબ્દોમાં વિરોધ નોંધાવી આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ પ્રકારના નિવેદનોને અત્યંત કમનસીબ, શરમજનક અને સખત નિંદનીય ગણાવ્યા છે. સાંસદ ધવલભાઇ પટેલે   આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા અગાઉ પણ સમગ્ર ગુજરાત અને ગુજરાતી અસ્મિતાને ઠેસ પહોંચાડવામાં આવી છે અને હવે તમામ મર્યાદાઓ ઓળંગીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતાશ્રી વિરુદ્ધ અત્યંત અશોભનીય તથા નિમ્ન કક્ષાની ટિપ્પણી કરવામાં આવી છે. દેશના લોકલાડીલા વડાપ્રધાનના પરિવાર પર આવા પાયાવિહોણા અને હલકા પ્રહારોને ગુજરાત કે સમગ્ર દેશનો કોઈપણ સ્વાભિમાની નાગરિક ક્યારેય સહન નહીં કરે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે લોકશાહીમાં રાજકીય મતભેદો હોઈ શકે છે, પરંતુ કોંગ્રેસ જે પ્રકારની અરાજક અને સ્તરહીન રાજનીતિ પર ઉતરી આવી છે, તે તેની વૈચારિક નાદારી દર્શાવે છે. આ પ્રકારના હલકા સ્તરના રાજકારણ સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને ગુજરાતની જનતા પણ રસ્તા પર ઉતરીને જડબાતોડ જવાબ આપશે અને ઉગ્ર વિરોધ નોંધાવશે.