ઉમરગામમાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સનો સપાટો : ૩૧ દંડાયા
- byDamanganga Times
- 23 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૨ ઃ સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલી ટાસ્ક ફોર્સ દ્વારા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરઈ, માંડા અને તેની આજુબાજુના વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના-મોટા પાનના ગલ્લા, પાર્લરના ૨૫ દુકાનદારો અને જાહેરમાં ધૂમ્રપાન કરતા ૦૬ લોકો મળી કુલ ૩૧ કેસ નોંધવામાં આવ્યા હતા, જેમની પાસેથી કુલ રૂપિયા ૬૨૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ, ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત સ્ટીયરીંગ કમિટી દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનદારોને કલમ-૪ (જાહેરમાં ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ), કલમ-૬(અ) (૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુના વેચાણ પર પ્રતિબંધ) તથા કલમ-૬(બ) (શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ) અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ તમાકુથી કેન્સર થાય છે તેવી સ્પષ્ટ આરોગ્ય વિષયક ચેતવણી વિના તમાકુ અને સિગારેટની અન્ય બનાવટોનું છૂટક વેચાણ ન કરવા ચેતવણી આપવામાં આવી હતી.
આ સઘન કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઍ.કે. સિંહ અને ઍપેડેમિક મેડીકલ ઓફિસર ડો. મનોજ પટેલના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ (આરોગ્ય વિભાગ), પોલીસ વિભાગમાંથી ડબલ્યુ.પી.સી. લીલાબેન ઍસ. વસાવા, ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગમાંથી જે.કે. ચૌધરી અને જિલ્લા ટોબેકો સેલમાંથી કાઉન્સેલર ઍસ.ઝેડ. બાગુલ, સોશિયલ વર્કર ઍ.ઍ. પટેલ અને ટી.ઍમ.પી.ઍચ.ઍસ. શશિકાંત માલવિયા દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ઍમ નોડલ ઓફિસર (ટોબેકો કંટ્રોલ) -વ- મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
