Damanganga Times.

Damanganga Times.

October 21, 2026

વાપીમાં હિટ ઍન્ડ રનમાં અજાણી મહિલાનું મોત

વાપીમાં હિટ ઍન્ડ રનમાં અજાણી મહિલાનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૦ ઃ વાપી નેશનલ હાઈવે નં.૪૮ પર ગમખ્વાર હિટ ઍન્ડ રનની ઘટના બની છે. ફરિયાદી મયુરભાઈ પ્રવિણભાઈ પટેલ ઉ.૩૧, રહે. બલીઠા દાંડીવાડ, તા.વાપી, જી.વલસાડ જેઓ આરો વોટર પ્લાન્ટનો વેપાર કરે છે તેઓઍ વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગઈ તા. ૧૮/૧૦/૨૦૨૬ ના રોજ રાતના આશરે સાડા ત્રણ વાગ્યાના સુમારે વાપી બલીઠા પટેલ રેસ્ટોરન્ટની સામે ને.હા.નં. ૪૮ સુરતથી મુંબઈ જતા સર્વિસ રોડ ઉપર ઍક અજાણી સ્ત્રી આશરે ઉ.વ. ૪૨ નાની, ગુલાબી કલરનું બ્લાઉઝ, ચણીયો અને સાડી પહેરેલી રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટક્કર મારતા મહિલાને જમણી બાજુ કપાળ, જમણા ખભા, જમણા પગમાં સાથળથી પંજા સુધી અને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તથા ડાબા પગના પંજા અને જમણા હાથમાં ઘસરકા થયા હતા. અકસ્માત બાદ ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો.
ઈજાગ્રસ્ત મહિલાને ૧૦૮ મારફતે વાપી ચલા સી.ઍચ.સી. સરકારી હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. મૃતદેહ હાલ પી.ઍમ. રૂમમાં રાખવામાં આવ્યો છે. પોલીસે મૃતકની ઓળખ માટે તપાસ કરી પણ વાલી વારસ મળ્યા નથી. આ બનાવે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.