ઉદવાડાની શાંતાબા સ્કુલમાં ગરબાની રમઝટ જામી
- byDamanganga Times
- 21 October, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૦ ઃ પારડી તાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશન પાસે આવેલ શાંતા બા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં નવરાત્રીના પાવન પર્વની ઉજવણી પરંપરાગત ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી નર્સરીથી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓઍ રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રી મહોત્સવનો પ્રારંભમા અંબેની પાવન આરતી સાથે કરવામાં આવ્યો હતો. ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણેમા જગદંબાના આશીર્વાદ મેળવી કાર્યક્રમની મંગલમય શરૂઆત કરી હતી. કાર્યક્રમના અંતે બેસ્ટ કોસ્ચ્યુમ અને બેસ્ટ ઍક્શન સ્પર્ધાના વિજેતાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇનામ વિતરણથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો નવરાત્રી મહોત્સવનું વિશેષ આકર્ષણ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા મા દુર્ગાનાં નવ સ્વરૂપોની મનમોહક રજૂઆત હતી. વિદ્યાર્થિનીઓઍ મા શૈલપુત્રી, મા બ્રહ્મચારિણી, મા ચંદ્રઘંટા, મા કુષ્માંડા, મા સ્કંદમાતા, મા કાત્યાયની, મા કાલરાત્રિ, મા મહાગૌરી અને મા સિદ્ધિદાત્રીનાં સ્વરૂપો ધારણ કરીને દરેક સ્વરૂપનું આધ્યાત્મિક મહત્ત્વ અને જીવનમૂલ્યો સમજાવ્યાં હતાં. આ રજૂઆત દ્વારા વિદ્યાર્થીઓને શક્તિ, સમર્પણ, સાહસ, સકારાત્મકતા, મમતા, નિર્ભયતા, પવિત્રતા અને જ્ઞાન જેવા ગુણો જીવનમાં ઉતારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ અનોખી પ્રસ્તુતિઍ નવરાત્રીના ધાર્મિક મહત્ત્વની સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કાર, આત્મવિશ્વાસ અને નારીશક્તિ પ્રત્યે સન્માનની ભાવના પણ જગાવી હતી. શાળાના આચાર્ય તથા ટ્રસ્ટી મંડળે સૌને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.
