વાપીમાં લેબર કોડ અંગે સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ યોજાયો
- byDamanganga Times
- 17 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના શ્રમ કમિશનરેટ દ્વારા વાપીના કનુભાઈ દેસાઈ ઓડિટોરિયમ ખાતે નવા લેબર કોડ્સ અંગે સેન્સિટાઇઝેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્યત્વે ધ કોડ ઓન સોશિયલ સિક્યુરિટી ૨૦૨૦ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ૧૫મી ઓક્ટોબરના રોજ યોજાયેલા આ સેમિનારમાં જીસી સી આઈ ના સભ્યો અને વાપીના અગ્રણી ઉદ્યોગકારો,કંપનીના ઍચઆર મેનેજરો,યુનિયનના આગેવાનો,મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.
શ્રમ વિભાગના અધિકારીઓઍ નવા લેબર કોડથી ઉદ્યોગો અને શ્રમિકોને થનારા ફાયદા, પીઍફ, ઍસઆઈસી, ગ્રેચ્યુઇટી અને અન્ય સામાજિક સુરક્ષા લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું. નવા કાયદાના અમલીકરણથી કામદારોને વધુ સુરક્ષા મળશે અને ઉદ્યોગોમાં પારદર્શિતા વધશે તેમ જણાવાયું હતું.
સેન્સિટાઇઝેશન પ્રોગ્રામમાં શ્રમ વિભાગે નવા ઇન્ડસ્ટ્રીયલ રૂલ કોડ ૨૦૨૦ હેઠળ ગુનો, દંડ અને ફરિયાદ અંગે ઉદ્યોગકારોને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. આસિસ્ટન લેબર કમિશનર જે ઍમ ગુટકા ઍ જણાવ્યું હતું કે, પરવાનગી વિના લેય-ઓફ રિટાયરમેન્ટ કે કોલઝર કરવા પર પ્રથમ ગુનામાં રૂ. ૧ થી ૧૦ લાખનો દંડ અને ફરી ગુનો કરતા રૂ. ૫ થી ૨૦ લાખ અને/અથવા ૬ મહિનાની સજા થઈ શકે છે. અનફેર લેબર પ્રેક્ટિસ માટે રૂ. ૧૦,૦૦૦ થી ૨ લાખ, સ્ટેન્ડિંગ ઓર્ડર ન આપવા બદલ રૂ. ૫૦,૦૦૦ થી ૨ લાખ દરરોજ રૂ. ૨૦૦૦ દંડ, ગેરકાયદે હડતાળ કરનાર કામદારને રૂ. ૧૦૦૦ થી ૧૦,૦૦૦ અને/અથવા ૧ મહિનાની સજા, ગેરકાયદે લોક-આઉટ કરનાર માલિકને રૂ. ૫૦,૦૦૦/ થી ૧ લાખ અને/અથવા ૧ મહિનાની સજાની જોગવાઈ છે. સમાધાન ભંગ બદલ રૂ. ૨૦ હજાર થી ૨ લાખ અને ૩ મહિનાની સજા થઈ શકે છે. ઉદ્યોગકારોને કાયદાનું પાલન કરવા અપીલ કરાઈ હતી. આ સેમિનારમાં યુનિયનને લગતાં કેટલાક કાયદાઓ, નિયમો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સેમિનારમાં આશરે ૫૦૦ જેટલા લોકોઍ લાભ લીધો હતો.
