વાઘલધરામાં બંધ મકાનમાંથી રૂ.૧.૪૪ લાખની મતા ચોરી
- byDamanganga Times
- 17 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ તાલુકાના વાઘલધરા ગામના હોળી ફળિયામાં રહેતા અને ડીજીવીસીઍલ નવસારી રૂરલ ડિવિઝનમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ જયંતીલાલ તલાવીયા ગત રાત્રે ૧૦ કલાકે તેમના પત્ની અને પુત્ર સાથે ઘરને તાળું મારી ફળિયામાં ચાલતા ગરબામાં ગયા હતાં. રાત્રિના સાડા બાર વાગ્યાની આસપાસ જ્યારે પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં નીચે પડેલું જોવા મળ્યું હતું.
ઘરનો આગળનો દરવાજો અંદરથી બંધ હોવાથી પાછળના દરવાજે જઈ તપાસ કરતા પાછળનો દરવાજો ખુલ્લો જણાયો હતો. ઘરમાં પ્રવેશતા જ સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. બેડરૂમમાં રાખેલા પતરાના કબાટના દરવાજા તોડીને તસ્કરો તેમાંથી આશરે ૭.૯૫ ગ્રામના સોનાની ઍક વીંટી, બે જોડી બુટ્ટી તથા ઍક પેન્ડલ કિંમત આશરે ૧ લાખ, ચાંદીના દાગીના ત્રણ જોડી સાંકળા અને બે ચેન – કિંમત રૂપિયા ૪૪,૦૦૦ની રોકડ રકમ મળી કુલ ૧.૪૪ લાખની મિલકત ચોરી કરી અજાણ્યા તસ્કરો નાસી છૂટ્યા હતાં. આ બનાવ અંગે કમલેશભાઈ તલાવીયાઍ અજાણ્યા ચોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
