Damanganga Times.

Damanganga Times.

October 17, 2026

વાપી ટાઉનમાં સરકારી જમીનો પરના દબાણો દુર કરાયા

વાપી ટાઉનમાં સરકારી જમીનો પરના દબાણો દુર કરાયા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપીના જુના રેલવે અંડરબ્રિજ પાસે આવેલ પેટ્રોલ પંપની બાજુમાં  સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામો સામે આજે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાપી મામલતદારની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાનો અને રહેણાંક બાંધકામો જેસીબી મશીનની મદદથી દૂર કરવામાં આવતાં દુકાનદારો તેમજ ત્યાં રહેતા લોકોમાં ભારે દોડધામ મચી હતી. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ હતી.
પ્રા વિગતો અનુસાર, વાપીની ગીતાનગર પોલીસ ચોકીથી જૂના રેલવે અંડરબ્રિજ સુધીના માર્ગ પર આવેલા પેટ્રોલ પંપની આગળ રસ્તાની બાજુમાં આવેલી સરકારી ખરાબાની જમીન પર છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક લોકોઍ ગેરકાયદે બાંધકામો કરી લીધાં હતાં. આ સ્થળે દુકાનો ઉપરાંત રહેણાંક મકાનો પણ બનાવીને કેટલાક લોકો રહેતા હતા. આ બાંધકામોને કારણે માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની સાથે જમીન સરકારી માલિકીની હોવાનું પણ ધ્યાને આવ્યું હતું.
આ મામલે થોડા દિવસ અગાઉ વાપી મામલતદાર દ્વારા સંબંધિત લોકોને નોટિસ પાઠવી ગેરકાયદે બાંધકામો સ્વેચ્છાઍ દૂર કરી દેવા સૂચના આપવામાં આવી હતી. જોકે, નોટિસ બાદ પણ બાંધકામો દૂર કરવામાં નહીં આવતાં આજે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આજે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં વાપી મામલતદાર વાપી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર તથા મોટી સંખ્યામાં પોલીસકર્મીઓના કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ ગેરકાયદે બાંધકામોમાં આપવામાં આવેલા વીજળી અને પાણીનાં જોડાણો કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ જેસીબી મશીનની મદદથી દુકાનો અને રહેણાંક બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં.
કાર્યવાહી દરમિયાન મકાનો અને દુકાનોમાં રહેલો ઘરવખરીનો સામાન તથા અન્ય વસ્તુઓ બહાર કાઢીને રસ્તાની બાજુમાં મૂકવામાં આવતી જોવા મળી હતી. અચાનક શરૂ થયેલી આ કાર્યવાહીને પગલે સ્થળ પર દોડધામનો માહોલ સર્જાયો હતો. સરકારી જમીન પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરવાની આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી હતી.