વલસાડ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા નિવૃત શિક્ષક સન્માન કરાયું
- byDamanganga Times
- 16 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ વલસાડ જિલ્લાની વિવિધ શાળાના માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે દીર્ઘકાલીન સેવા આપી વય નિવૃત્ત થયેલા ૪૨ જેટલા શિક્ષકોનો ઍકસાથે નિવૃત સન્માન સમારંભ વલસાડ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા યોજવામાં આવ્યો. ડી.સી.ઓ. સાર્વજનિક હાઇસ્કુલ પારડી ખાતે આ સમારંભ યોજાયો. સમારંભની શરૂઆત પ્રાર્થના વડે કરવામાં આવી. સંઘના પ્રમુખ દીપકભાઈઍ સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા. વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશ્રી મેડમે અધ્યક્ષ સ્થાન શોભાવ્યું, મુખ્ય મહેમાન પૂર્વ નાયબ શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય જયેશભાઈ ઍમ પટેલે શિક્ષણના પવિત્ર વ્યવસાય અને આ વ્યવસાય પૂર્ણ કરી નિવૃત થયેલા શિક્ષકોને નિવૃત્ત જીવન ખૂબ પ્રવૃત્તિમય બની રહે ઍ માટે શુભેચ્છાઓ પાઠવી. અધ્યક્ષ તેમજ મુખ્ય મહેમાનનું માધ્યમિક સંઘ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંચાલક મંડળના પ્રમુખ કમલેશભાઈ દેસાઈ, ધી પારડી ઍજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ, આચાર્ય સંઘના પ્રમુખ દીપકભાઈ ,ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખ નીનાદભાઈ રાઠોડ, વહીવટી સંઘના પ્રમુખ સંજયભાઈ પટેલ, ચિત્રકલા સંઘ ગુજરાત રાજ્યના પ્રમુખ વિપુલભાઈ પટેલ,યજમાન શાળાના આચાર્ય સુનિલભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ રહી. નિવૃત્ત થયેલા ૪૨ જેટલા શિક્ષકોનું સન્માન પત્ર અને સાલ ઓઢાળી મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું,
સમારંભના અધ્યક્ષ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશ્રીબેન મેડમે કાર્યક્રમની સફળતા બદલ સંઘને અભિનંદન પાઠવ્યા. સમગ્ર કાર્યક્રમને સફળતા અપાવવા બદલ તમામનો સંઘના મંત્રી મુકેશભાઈ પટેલે સંઘ વતી આભાર માન્યો. કાર્યક્રમનું સફળ સંચાલન જયેશભાઈ ટંડેલ અને સતિષભાઈ ઠાકોરે કર્યું.
