નામધા-મોહનગામને જોડતા પુલની દરખાસ્તને મંજૂરી
- byDamanganga Times
- 16 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક અધ્યક્ષ સતીશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તેમાં પાણી પુરવઠો, રસ્તા, સફાઈ, અગ્નિશમન સેવા, જાહેર સુવિધાઓ અને વાહનવ્યવહાર સહિતના પ્રજાલક્ષી વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. જેમા ચોમાસામાં ખરાબ થયેલા રસ્તાઓનું પેચવર્ક દિવાળી પહેલાં પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. ડુંગરા ફિલ્ટર પ્લાન્ટથી નૂતનનગર સુધી પૂરતા દબાણે પાણી પહોંચે તે માટે જીઆઈડીસી કચેરી નજીક મામુ ચા પાસે ૫૦૦ મી.મી.નો નવો વાલ્વ સ્થાપિત કરાશે. જાહેર કાર્યક્રમો માટે બે મોબાઇલ ટોઇલેટ બ્લોક અને રખડતાં પશુઓને પકડવા નવું કેટલ કેચિંગ કેજ ખરીદાશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્વિમિંગ પૂલના હંગામી સંચાલન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી સાથે વાપી પૂર્વમાં અગ્નિશમન સેવા મજબૂત બનાવવા કરવડ ખાતેની ૭,૯૬૫ ચોરસ મીટર જમીનમાંથી ૩,૦૦૦ ચોરસ મીટર જમીન નવા ફાયર સ્ટેશન માટે ફાળવવા સરકારમાં દરખાસ્ત કરાશે. સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે વટાર અને કરવડગામમાં કોમ્યુનિટી હોલ બનાવવા જમીન મહાનગરપાલિકાને ફાળવવા સરકારમાં દરખાસ્ત કરવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે વધતા વાહનવ્યવહારને ઘટાડવા અને વાપી-ઉમરગામ કનેક્ટિવિટી મજબૂત કરવા દમણગંગા નદી પર નામધા ચંડોરથી મોહનગામને જોડતો ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જરૂરી મંજૂરી માટે સરકારમાં દરખાસ્ત કરાશે. ચોમાસાના વરસાદથી તૂટેલા રસ્તાઓનું ડામર પેચવર્ક તાત્કાલિક શરૂ કરી દિવાળી પહેલાં પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી, જેથી તહેવાર દરમિયાન અવરજવરમાં મુશ્કેલી ઘટે. વાપી બજાર રોડના સરદાર પટેલ સર્કલનું પુનર્વિકાસ કરી નવી પ્રતિમા સ્થાપિત કરાશે. સફાઈ વ્યવસ્થાની દેખરેખ માટે પાંચ નવા સબ-સેનિટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરાશે. આથી સ્વચ્છતા કામગીરીનું મોનિટરિંગ વધુ અસરકારક બનશે. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ઍન. ઍફ. ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર વિશાલ પટેલ અને કિરણસિંહ રાણા, સિટી ઇજનેર જતીનભાઈ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા. બેઠકનું સંચાલન મ્યુનિસિપલ સેક્રેટરી રીતેશભાઈ વાળંદે કર્યું હતું.
