ઉમરગામ પાલિકાની સામાન્ય સભા યોજાઈ
- byDamanganga Times
- 16 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૫ ઃ ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ ખુશ્બુબેન જાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. કારોબારી અધ્યક્ષ ગૌરવ કોન્ટ્રાક્ટર, ઉપપ્રમુખ યોગેશભાઈ દાંડેકર તથા કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં નવ જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
સભામાં ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ૮ કરોડનાં વિકાસકાર્યોના આયોજન, નગરજનોને પાણીની સુવિધા, સ્વચ્છતા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ઉમરગામ શહેરમાં નગરજનોની સુવિધા માટે કોમ્યુનિટી હોલના નિર્માણ અર્થે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ૧૦ કરોડની ફાળવણી કરવામાં આવતાં પ્રમુખ સહિતના હોદ્દેદારોઍ આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ માટે વાહન ખરીદવા અંગે પણ ચર્ચા હાથ ધરાઈ હતી. ચીફ ઓફિસર અતુલચંદ્ર સિન્હાઍ વહીવટી બાબતો અંગે કોર્પોરેટરોને વિસ્તૃત માહિતી આપી હતી. નગરપાલિકાની સ્વભંડોળની આવકમાં વધારો થાય તે માટે જરૂરી પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે હાથ ધરાયેલી ઝુંબેશ અને પાણી-સફાઈ અંગેની કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી હતી. નગરપાલિકાની વિવિધ સમસ્યાઓ અંગે કોર્પોરેટરોઍ પ્રમુખનું ધ્યાન દોર્યું હતું. કારોબારી સમિતિમાં મંજૂર થયેલાં બિલોની ચુકવણીને સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
