Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી બજારની સરદાર પ્રતિમાનું સ્થળાંતર કરાશે

વાપી બજારની સરદાર પ્રતિમાનું સ્થળાંતર કરાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ વાપી ટાઉનના મુખ્ય બજારમાં આવેલા સરદાર ચોક ખાતે રસ્તાની વચ્ચે સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાલ પૂરતી હટાવી લેવામાં આવી છે. મુખ્ય બજારના રસ્તાના નવીનીકરણ તેમજ ડિવાઈડર હટાવી નવા ડિવાઈડર સ્થાપિત કરવાની કામગીરીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં આ સ્થળે સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વ અને ગરિમાને અનુરૂપ અતિઆધુનિક પ્રતિમા બનાવવામાં આવશે, જેનું ટૂંક સમયમાં અનાવરણ કરવામાં આવશે.
વાપી ટાઉનના મુખ્ય બજારમાં વર્ષો પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. સમય જતાં આ પ્રતિમા જર્જરિત અવસ્થામાં આવી જતાં વર્ષ ૨૦૦૩માં તત્કાલીન વાપી નગરપાલિકાના પ્રમુખ દિલીપભાઈ ઠાકોરભાઈ દેસાઈ, શ્રી લેઉવા પાટીદાર સમાજ વાપીના પ્રમુખ અપૂર્વભાઈ પટેલ, વાપી નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન રોહિતભાઈ સોમપુરા તેમજ સભ્ય બોબી કે. પટેલની ઉપસ્થિતિમાં હાલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રતિમાને સ્થાપિત થયાને આશરે ૨૩ વર્ષ પૂર્ણ થતાં હવે વાપીના મુખ્ય બજારના માર્ગના નવીનીકરણની કામગીરી સાથે પ્રતિમાને પણ નવું સ્વરૂપ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રસ્તાની વચ્ચેથી હાલની પ્રતિમા હટાવી તેના સ્થાને વધુ આકર્ષક, અતિઆધુનિક અને સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વને અનુરૂપ પ્રતિમા બનાવવામાં આવશે.
આ સમગ્ર કામગીરી વાપી મહાનગરપાલિકા દ્વારા શ્રી લેઉવા પાટીદાર સમાજ વાપીના અગ્રણીઓને સાથે રાખીને હાથ ધરવામાં આવશે. નવી પ્રતિમાની સ્થાપના અને અનાવરણ બાદ સરદાર ચોકને નવું સ્વરૂપ મળશે તેમજ વાપીના મુખ્ય બજારની સુંદરતામાં પણ વધારો થવાની અપેક્ષા છે.