ડુંગરી પેટ્રોલપંપ ધાડ કેસમાં ૧૭ વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો
- byDamanganga Times
- 14 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ તા.૧૩ ઃ વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૭ વર્ષ અગાઉ નેશનલ હાઇવે નંબર-૪૮ પર આવેલા રોલા ગામે હાઇવે પર આવેલ વૈષ્ણવી પેટ્રોલપંપ પર થયેલી સનસનાટીભરી ધાડના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને વલસાડ ઍલસીબી ની ટીમે મહારાષ્ટ્રના પેલ્હાર ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
વલસાડ જિલ્લાના નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા રોલા ગામે આવેલ વૈષ્ણવી પેટ્રોલ પંપ પર ગત તારીખ ૩૧/૦૧/૨૦૧૦ના રોજ વહેલી સવારે રોલા ગામ પાસે નેશનલ હાઇ સિલ્વર કલરની ઇનોવા કારમાં ચાર અજાણ્યા શખ્સો ડીઝલ પુરાવવાના બહાને આવ્યા હતા. ડીઝલ પુરાવ્યા બાદ બે શખ્સો પાવતી લેવાના બહાને ઓફિસમાં ઘૂસ્યા હતા અને ઓફિસની લાઈટ બંધ કરી ફરિયાદીને રિવોલ્વર બતાવી હતી. દરમિયાન કારમાંથી અન્ય બે શખ્સો છટકા જેવા હથિયારો લઈને અંદર પ્રવેશ્યા હતા અને બહાર સૂતેલા કર્મચારીને પણ પકડી ઓફિસમાં લાવી પૈસાની માંગણી કરી હતી. કર્મચારીઍ પૈસા આપવાનો ઇનકાર કરતા તેના પગના ભાગે હથિયારથી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ તિજોરી ખોલવાનો પ્રયાસ નિષ્ફળ જતાં, લૂંટારુઓઍ ઓફિસમાં પડેલી ચાદર ફાડી ફરિયાદીના હાથ-પગ બાંધી દીધા હતા અને બંને કર્મચારીઓને સ્ટોર રૂમમાં પૂરી બહારથી તાળું મારી દીધું હતું. લૂંટારુઓ ટેબલ પર મૂકેલા રોકડા ૩૩,૬૦૦ તેમજ કર્મચારીઓના બે મોબાઈલ ફોન કિંમત ૧,૦૦૦ મળી કુલ ૩૪,૬૦૦ ની મત્તાની ધાડ પાડી ફરાર થઈ ગયા હતા. જે અંગે ડુંગરી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, જ્યારે અન્ય સાગરીતો વોન્ટેડ હતા. ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને ઍલ.સી.બી. પી.આઈ. ઍ.યુ.રોઝના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વોચમાં હતી. દરમિયાન ઍલ.સી.બી.ના અ.પો.કો. કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીઍસઆઈ જે.બી.ધાનેશા તથા સ્ટાફે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના પેલ્હાર માં દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો. ઝડપાયેલ આરોપી પુનિત ઉર્ફે અજય કૃષ્ણચંદ્ર શ્રીનિવાસકૃપા તિવારી નો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ પણ અન્ય રાજ્યોમાં ગંભીર ગુના નોંધાયેલા છે. જેમાં રાજસ્થાનના હલેના પોલીસ સ્ટેશનમાં, રાજસ્થાનના સેવરા પોલીસ સ્ટેશનમાં તથા મહારાષ્ટ્રના બોઈસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. ઍલ.સી.બી. વલસાડ દ્વારા આરોપીની કાયદેસર અટકાયત કરી.
