કોસંબામાં પ્રોટેક્શન વોલ મુદ્દે ધારાસભ્યની સ્થાનિકો સાથે મુલાકાત
- byDamanganga Times
- 13 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ તાલુકાના દરિયાકાંઠાના વિસ્તાર કોસંબા-દીવાદાંડી ગામ ના સ્થાનિક ગ્રામજનો દ્વારા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલને રજૂ કરવામાં આવેલી વિવિધ સમસ્યાઓ, ખાસ કરીને સુરક્ષા હેતુ પ્રોટેક્શન વોલ નિર્માણ અંગેની બાબતને ધ્યાને રાખી ધારાસભ્ય ભરત પટેલે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળવામાં આવી હતી.
દરિયાઈ મોજાં અને ધોવાણથી ગ્રામજનો તેમજ રહેણાંક વિસ્તારોને થતા નુકસાન સામે સુરક્ષા મળી રહે તે હેતુથી પ્રોટેક્શન વોલ બનાવવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પરિસ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કરી જરૂરી તમામ વિગતો અને માહિતી મેળવવામાં આવી હતી. જનતાની સમસ્યાઓનું સમયસર અને સચોટ નિરાકરણ લાવવું ઍ જ પ્રાથમિકતા છે. ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ તેમજ લોકહિતના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત તંત્ર સમક્ષ યોગ્ય રજૂઆત કરી પ્રોટેક્શન વોલની કામગીરી આગળ ધપાવવાની ગ્રામજનોને ખાતરી આપવામાં આવી હતી. આ મુલાકાત પ્રસંગે સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા.
