Damanganga Times.

Damanganga Times.

October 12, 2026

પારડીમાં વિદ્યાર્થીની સાથે દુર્વ્યવહાર પ્રકરણમાં આચાર્યની ધરપકડ

પારડીમાં વિદ્યાર્થીની સાથે દુર્વ્યવહાર પ્રકરણમાં આચાર્યની ધરપકડ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૧ ઃ પારડી વિસ્તારમાં આવેલી ઍક શાળામાં આચાર્ય દ્વારા શાળાની વિદ્યાર્થીની સાથે છેડછાડ કે અડપલાંનો મુદ્દો ટોક અોફ ધ ટાઉન બન્યો હતો. આ બાબતે વિદ્યાર્થીનીના પિતાઍ જિલ્લા પોલીસવડા સુધી રજુઆત કરતાં પોલીસતંત્રઍ ત્વરીત અને કડક પગલાં લઈ આરોપી આચાર્યની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
આ સમગ્ર મામલે પ્રા માહિતી મુજબ અોરવાડના રહીશ ૪૨ વર્ષિય આચાર્યઍ સગીરવયની વિદ્યાર્થીનીને યુપીઍસસી પરીક્ષા પાસ કરાવવાની લાલચે ઍસ્કટ્રા કલાસના બહાને અડપલાં અને દુર્વ્યવહાર કરવાની વિદ્યાર્થીનીની ફરિયાદ બાબતમાં જાતતપાસ કરી આચાર્યને રંગેહાથ ઝડપી લીધો હતો. આ બાબત પ્રકાશમાં આવતાં પારડી પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને શિક્ષણના મંદિરમાં ખુદ સર્વોચ્ચ સ્થાને વહીવટ સંભાળતાં આચાર્ય પોતે જ ‘વાડ થઈને ચીભડાં ગળે’ ઍવું વર્તન કરતાં જણાતાં ચોતરફ ફીટકારની લાગણી ફેલાઈ ગઈ હતી. આ બાબતે વિદ્યાર્થીનીના પિતા દ્વારા સંબંધીતો અને પોલીસમાં ઉચ્ચ સ્થાને રજુઆત બાદ આજે પારડી પોલીસે પ્રિન્સિપલ સામે કાયદેસરનો ગુનો દાખલ કરી ઍની ધરપકડ કરી છે અને જેલના સળિયા પાસે ધકેલી દીધો હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ પારડી શહેરમાં ચાલતી શાળાના આ આચાર્ય વિદ્યાર્થીનીને ઍકસ્ટ્રા કલાસના બહાને રોકી શાળાની લેબોરેટરીમાં દરવાજા બંધ કરી અડપલાં કરતાં ઝડપાયા હતાં. જેમાં સગીરા સાથે બળજબરીપૂર્વક દુર્વ્યવહાર આચરી શોષણ કરતાં હોવાની  દીકરીના બદલાયેલા માનસિક વર્તનથી વાલીને શંકા ગઈ હતી તેથી  શાળા છૂટ્યા બાદ પણ દીકરી ઘરે ન પહોંચતા પિતા જાતે તપાસ કરવા પહોંચ્યા હતા. જ્યાં શાળાનો ઍક ઓરડો અંદરથી બંધ મળતા પિતાઍ દરવાજો ખોલવતા દીકરી ડરી ગયેલી અને ડઘાયેલી હાલતમાં મળી આવી હતી. તેથી બાળકીને સાંત્વના આપી પૂછપરછ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. જેના પગલે  આચાર્ય ફરાર થઈ ગયા હતાં. છેવટે વિદ્યાર્થીની ના પિતાની પારડી પોલીસ મથકમાં ફરિયાદના આધારે પારડી પોલીસે કિશોર ચુડાસમા સામે ગુનો દાખલ કર્યો હતો અને ભારતીય ન્યાય સહિતા તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ ૨૦૧૨ ની કલમો મુજબ ગુનો દાખલ કર્યો કરી વધુ તપાસ પારડીના પોલીસ ઇન્સ્પેક્ટર વાય. બી. ગોહિલે હાથ ધરી છે.