વાપીના બજારમાં ફૂલોની ખરીદી માટે વહેલી સવારથી ભીડ
- byDamanganga Times
- 12 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૧ ઃ શારદીય નવરાત્રીના પ્રારંભ સાથે જ વાપીના બજારમાં ધાર્મિક ઉત્સાહ અને રોનક જોવા મળી હતી. નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારથી જ ફૂલોની ખરીદી માટે બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને પૂજા-અર્ચના અને માતાજીની આરાધના માટે ફૂલોની માગ વધતાં ફૂલોના વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.
વાપીના મુખ્ય બજારમાં આવેલ સરદાર ચોક થી જે કે શાહ ની દુકાન સુધીના મુખ્ય માર્ગની બંને બાજુ ઍ બહાર ગામ થી આવેલા વેપારી ઓ ગલગોટા, ગુલાબ, સેવંતી, ગુલશડી સહિત વિવિધ પ્રકારનાં ફૂલો વેચાણ માટે ઉપલબ્ધ હતાં. આ ઉપરાંત મહારાષ્ટ્ર તથા કર્ણાટકના બેંગલુરુ વિસ્તારથી લાવવામાં આવતાં આકર્ષક અને વિવિધ રંગોનાં ફૂલોઍ પણ ગ્રાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. રંગબેરંગી ફૂલોથી બજારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
નવરાત્રીના પ્રારંભે ફૂલોની માગમાં વધારો થતાં સામાન્ય દિવસોની સરખામણીઍ ફૂલોના ભાવમાં પણ વધારો નોંધાયો હતો. તેમ છતાં માતાજીની પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓ માટે ફૂલો ખરીદવા લોકો વહેલી સવારથી જ બજારમાં પહોંચ્યા હતા. વાપીનું ફૂલ બજાર માત્ર સ્થાનિક લોકો માટે જ નહીં, પરંતુ દમણ, સેલવાસ, ઉમરગામ અને પારડી સહિત આસપાસના વિસ્તારોના લોકો માટે પણ ખરીદીનું મહત્ત્વનું કેન્દ્ર છે. નવરાત્રીના પ્રારંભે આ વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ફૂલોની ખરીદી માટે વાપી બજારમાં આવ્યા હતા. આમ, નવરાત્રીના પ્રથમ દિવસે ફૂલોની વધેલી માગ અને ગ્રાહકોની ભીડને પગલે બજારમાં માહોલ સર્જાયો હતો.
