Damanganga Times.

Damanganga Times.

October 12, 2026

નિલોશી શાળાના શિક્ષક સ્વ. શંકરભાઈ જાદવના પરિવારને શૈક્ષિક મહાસંઘે સાંત્વના પાઠવી

નિલોશી શાળાના શિક્ષક સ્વ. શંકરભાઈ જાદવના પરિવારને શૈક્ષિક મહાસંઘે સાંત્વના પાઠવી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોંઢા, તા. ૧૧ ઃ  કપરાડા તાલુકાની નિલોશી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક સ્વર્ગસ્થ શંકરભાઈ જાદવના અકાળે અવસાનથી સમગ્ર શિક્ષણ જગતમાં શોકની લાગણી પ્રસરી છે. તેમના અવસાનથી પરિવારજનો પર આવી પડેલી દુઃખદ પરિસ્થિતિમાં સાંત્વના પાઠવવા માટે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી મણીભાઈ ગાવિત, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વલસાડ જિલ્લા અધ્યક્ષ અજીતભાઈ ઠાકોર સહિત મહાસંઘની ટીમે સ્વર્ગસ્થ શંકરભાઈ જાદવના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત આગેવાનોઍ શોકગ્રસ્ત પરિવારજનો સાથે સમય વિતાવી તેમની સાથે દુઃખની ઘડીમાં સહભાગી બની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. પરિવારના સભ્યોને સાંત્વના પાઠવતાં તેમણે આ મુશ્કેલ સમયમાં હિંમત અને ધીરજ જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સ્વર્ગસ્થ શંકરભાઈ જાદવના નિધનથી શિક્ષણ જગતે ઍક શિક્ષક ગુમાવ્યો છે, જ્યારે તેમના પરિવાર માટે આ ખોટ ક્યારેય ન પૂરી શકાય તેવી છે, તેવી લાગણી પણ ઉપસ્થિત સૌઍ વ્યક્ત કરી હતી.
જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી મણીભાઈ ગાવિત અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વલસાડ જિલ્લા અધ્યક્ષશ્રી અજીતભાઈ ઠાકોર સહિતના હોદ્દેદારોઍ પરિવારને ખાતરી આપી હતી કે આ દુઃખદ પરિસ્થિતિમાં શિક્ષણ પરિવાર તેમની સાથે ઊભો છે. પરિવારને જરૂરિયાત મુજબ વહીવટી પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપવા તથા શક્ય તમામ સહાય માટે પ્રયત્નશીલ રહેવાનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.