Damanganga Times.

Damanganga Times.

October 12, 2026

વાંકલ ડેપો પાસે અોવરબ્રિજની કામગીરી વચ્ચે અંડર પાસથી ગ્રામજનોની નારાજગી

વાંકલ ડેપો પાસે અોવરબ્રિજની કામગીરી વચ્ચે અંડર પાસથી ગ્રામજનોની નારાજગી


(દમણગંગા ટાઈમ્સન પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૧ ઃ ધરમપુર–વલસાડ માર્ગ પર વાંકલ ગામના બસ ડેપો પાસે બની રહેલા ઓવરબ્રિજમાં પઢીયાર ફળિયા અને સામેની બાજુઍ બારસોલ તરફ જવા માટે અંડરપાસની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, હાલમાં માત્ર ફલધરા તરફ અંડરપાસ આપવામાં આવ્યો છે, જ્યારે પઢીયાર ફળિયા અને બારસોલ તરફના માર્ગ માટે સીધી સુવિધા ન હોવાથી સ્થાનિક રહીશો અને રોજિંદા અવરજવર કરતા લોકોને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
 પઢીયાર ફળિયા વિસ્તારમાં ૩,૦૦૦થી વધુ લોકોની વસ્તી છે. આ વિસ્તારના લોકો માટે ટીસ્કરી, ઓઝરપાડા અને વાપી તરફ જવા માટે આ માર્ગ ટૂંકો અને ઉપયોગી છે. ઉપરાંત નવીનગરી, ભાંભા, બારસોલ, કાપરીયા, દુલસાડ અને ખેરગામ તરફથી પણ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. વાંકલ ખાતે વલસાડ–ધરમપુર મુખ્ય માર્ગ અને પઢીયાર ફળિયા તથા બારસોલ તરફ જતા માર્ગનું ચાર રસ્તા જેવું જોડાણ હોવાથી આ સ્થળે યોગ્ય અંડરપાસની સુવિધા જરૂરી હોવાનું ગ્રામજનો જણાવી રહ્ના છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, સામેની બાજુઍ આવેલી પ્રાથમિક શાળા નજીકથી સર્વિસ રોડનો ઉપયોગ કરીને પઢીયાર ફળિયા અથવા બારસોલ તરફ જવા માટે ૧૦૦ મીટરથી વધુ અંતર કાપવું પડી શકે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને રોજિંદી અવરજવર કરતા લોકોને આ વ્યવસ્થાને કારણે મુશ્કેલી પડવાની ભીતિ છે. યોગ્ય સીધો માર્ગ ન મળતાં વાહનચાલકોને વધારાનું અંતર કાપવું પડે તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષાનો પ્રશ્ન પણ ઊભો થઈ શકે છે. આથી ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થાય તે પહેલાં પઢીયાર ફળિયા અને બારસોલ તરફ ફોરવ્હીલર વાહન પસાર થઈ શકે તેવો અંડરપાસ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માગ છે. હાલ વાંકલ બસ ડેપો પાસે ઓવરબ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત તંત્ર ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય કરે અને ભવિષ્યમાં સર્જાનારી અવરજવરની મુશ્કેલી નિવારે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.