આહવામાં ‘સ્નેક રેસ્ક્યુઅર્સ મીટ’ યોજાઈ
- byDamanganga Times
- 10 October, 2026
આહવા, તા. ૦૯ ઃ વન્યપ્રાણી સાહ–૨૦૨૬ની ઉજવણી અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગ હેઠળની આહવા (પૂર્વ) રેન્જ ખાતે સ્નેક રેસ્ક્યુઅર્સ મીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ડાંગ જિલ્લામાં માનવ-વન્યજીવ સંઘર્ષ નિવારવા અને નિઃસ્વાર્થ ભાવે સર્પ બચાવવાની કામગીરી કરતા સ્નેક રેસ્ક્યુઅર્સ (સર્પમિત્રો)ને ઍક મંચ પર લાવી તેમની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાનો હતો. આ પ્રસંગે દક્ષિણ ડાંગ વન વિભાગના મદદનીશ વન સંરક્ષક જૈનીલ દેસાઈ, મદદનીશ વન સંરક્ષક અંકન બોહરા, આહવા (પૂર્વ) આર.ઍફ.ઓ. આરીફ ઠેબા, તથા આહવા ઍલ.સી.બી. પી.ઍસ. આઈ. જયદીપ અનડકટ વિશેષ ઉપસ્થિત રહ્ના હતાં. કાર્યક્રમ દરમિયાન સર્પ બચાવની ઉત્કૃષ્ટ સેવાઓ આપતા સ્થાનિક રેસ્ક્યુઅર્સને સુરક્ષિત કામગીરી માટે સાપ પકડવાની આધુનિક કીટ અર્પણ કરવામાં આવી હતી. અધિકારીઓઍ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લો અદભુત અને વિશિષ્ટ પ્રાકૃતિક ધરોહર ધરાવતો વનવિસ્તાર છે. અહીં જોવા મળતી સરીસૃપની ઘણી પ્રજાતિઓ અત્યંત દુર્લભ છે, જે ગુજરાતના અન્ય વિસ્તારોમાં જોવા મળતી નથી. આ અણમોલ જૈવવિવિધતાને જાળવી રાખવા માટે વન વિભાગ અને સર્પમિત્રોના સહિયારા પ્રયાસોથી ગ્રામીણ વિસ્તારોમાં વ્યાપક લોકજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપતા અન્ય સર્પમિત્રોનો સંપર્ક સાધી, આગામી સમયમાં સૌને સાંકળીને રેસ્ક્યુ કામગીરીને વધુ સક્ષમ, સલામત અને વૈજ્ઞાનિક ઢબે આગળ ધપાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. આ કાર્યક્રમમાં આહવા પૂર્વ રેન્જનો ક્ષેત્રિય સ્ટાફ, ગ્રામ વન સુરક્ષા સમિતિના હોદ્દેદારો તેમજ વન વિભાગના રોજમદાર ભાઈઓ ઉપસ્થિત રહ્ના હતા.
