સેલવાસમાં પ્રથમવાર કર્નાટકની તુલુ ભાષામાં કોમેડી નાટક યોજાયું
- byDamanganga Times
- 10 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૯ ઃ કર્ણાટકમાં તુલુ ભાષાને બીજી રાજ્યભાષાનો દરજ્જો મળવાના અવસર નિમિત્તે સેલવાસમાં પ્રથમ વખત તુલુ ભાષાના કોમેડી નાટકનું મંચન કરવામાં આવ્યું હતું. ૭ ઓક્ટોબરના રોજ સાંજે ૬ વાગ્યે કલા કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્ણાટક મૂળના લોકો ઉપસ્થિત રહ્ના હતા.
આ કાર્યક્રમનું આયોજન તુલુનાડ ઇસિરી ગ્રુપ (વાપી, વલસાડ, સિલવાસા, ઉમરગામ), કન્નડ સેવા સંઘ, કન્નડ મહિલા સંઘ, દાદરા અને નગર હવેલી તથા કન્નડ સંઘ, વાપીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
કર્ણાટકના બૈલૂર સ્થિત ચૈતન્ય આર્ટિસ્ટ્સ ગ્રુપ દ્વારા ‘રાઘુ માસ્ત્રુ’ (રાઘુ ટીચર) નામનું તુલુ કોમેડી નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નાટકના દિગ્દર્શક પ્રસન્ના શેટ્ટીઍ જણાવ્યું હતું કે નાટકનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં તુલુ ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો તેમજ દર્શકોને હાસ્ય અને મનોરંજન પૂરું પાડવાનો છે.
સિલવાસામાં કાર્યક્રમના આયોજનમાં મહેશ શેટ્ટી, વેંકટેશ પૂજારી અને શરત હેગડેઍ મહત્વપૂર્ણ સંકલન કર્યું હતું. કાર્યક્રમમાં ઍસઍમસીના કાઉન્સિલર રજની શેટ્ટી, દાદરા અને નગર હવેલી કન્નડ સેવા સંઘના પ્રમુખ ડૉ. ગણેશ વર્ણેકર, તુલુનાડ ઇસિરીના પ્રમુખ નવીન શેટ્ટી, પૂર્વ પ્રમુખ બાલકૃષ્ણ શેટ્ટી, કન્નડ સંઘ વાપીના પ્રમુખ લલિતા કારંત અને કન્નડ મહિલા સંઘ દાદરા અને નગર હવેલીના પ્રમુખ કાંતિ શેટ્ટી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા.
કાર્યક્રમ દરમિયાન દિવાકર શેટ્ટી અને પરિવાર, પ્રકાશ શેટ્ટી, પ્રસન્ના શેટ્ટી તથા મહેશ શેટ્ટીનું સન્માન કરવામાં આવ્યું હતું.
દાદરા અને નગર હવેલી, દમણ, વાપી તથા વલસાડમાં રહેતા કર્ણાટક મૂળના લોકોઍ નાટકનો આનંદ માણ્યો હતો. દર્શકોઍ કલાકારોના અભિનયની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવા સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમો યોજાતા રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
