Damanganga Times.

Damanganga Times.

October 07, 2026

દેવધા ડેમમાં ૬.૪૫ ઍમસીઍમ પાણી સંગ્રહ ઃ ૨૯ ગામોની તરસ છીપાશે

દેવધા ડેમમાં ૬.૪૫ ઍમસીઍમ પાણી સંગ્રહ ઃ ૨૯ ગામોની તરસ છીપાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૦૬ ઃ ગણદેવી તાલુકામાં ૮૭.૧૨ ઇંચ (૨૧૭૮ મીમી) વરસાદ બાદ ચોમાસાઋતુ ની વિદાય થઈ છે. ત્યારે ગણદેવી તાલુકાની જીવાદોરી સમાન દેવધા ડેમ ઉપર ૪૦ દરવાજા મંગળવારે ફિટ (બંધ) કરાયા હતા. જેને પગલે નવરાત્રી ટાણે ૬.૪૫ ઍમસીઍમ (મિલિયન ક્યુબીક મીટર) જેટલો વિશાળ જળભંડાર સંગ્રહિત થશે જેનાં થકી ૨૯ ગામો ની ૩૦૧૦.૮ હેકટર (૭૪૪૦ ઍકર) જમીન માં સિંચાઈ સુલભ બનશે.
બીલીમોરા નજીક દેવધા ગામે અંબિકા નદી ઉપર વર્ષ ૨૦૦૨માં ૧૯ કરોડના ખર્ચે દેવધાડેમ દેવ સરોવર પરીયોજના સાકાર થઈ હતી. ૫૦૦મીટર લાંબા અને પાંચ મીટર પહોળા ડેમમાં ૧ ઍક મીટર ઊંચા અને ૪ મીટર પહોળા ૪૦ દરવાજાઓ છે.
જે થકી ડેમની અપસ્ટ્રિમમાં ૬.૪૫ (ઍમસીઍમ) મિલિયન કયુબિક મીટર જેટલો વિશાળ ભંડાર ઍકત્ર કરી શકાય છે. પરીણામે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વિશાળ જળસંગ્રહથી તાલુકાના ખેતી, ઉદ્યોગ સહિત પીવાના પાણીની સમસ્યા હલ થશે. ડેમના કેચમેન્ટ વિસ્તારની વેંગણિયા અને પનિહારી નદીઓ માં જળસ્તર વધશે. પરીણામે બંધારા પુલ ધોબીઘાટ પણ ફરી સજીવન બનશે.
ડેમને પગલે શ્રમજીવીઓ વર્ષભર મચ્છી પકડી કમાણી કરશે. ગણદેવી ડ્રેનેજ વિભાગ અધિકારી પ્રિયાંક પટેલ અને પ્રિયાંક ભોયા તેમજ સ્ટાફે વહેલી સવાર થી મોડી સાંજ સુધી દરવાજા ની કામગીરી પાર પાડી હતી.
ગણદેવી નગરપાલિકા, બીલીમોરા નગરપાલિકા અને દેવધા કરોડ જૂથ પાણી પુરવઠા યોજના પણ દેવધા ડેમ આધારિત છે.તાલુકા નાં ૨૯ જેટલા ગામોમાં વર્ષભર પાણીની તકલીફોનો અંત આવશે. ડેમની અપ સ્ટ્રીમમાં નવસારી નાં બોરીયાચ ટોલથી બે -ત્રણ કીમી દૂર સુધી જળસંગ્રહ થાય છે.