સરહદી ગામો માટે વાપી ડેપોથી બિરસા મુંડા બસ શરૂ કરાઈ
- byDamanganga Times
- 07 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૬ ઃ વલસાડ વિભાગીય પ્રયોજન અધિકારીના માર્ગદર્શન હેઠળ અને વિભાગીય નિયામક માત્રોજાના સૂચનથી વાપી ઍસટી ડેપો દ્વારા સરહદી ગામોને પરિવહન સુવિધા પૂરી પાડવા માટે મહત્વનું પગલું ભરાયું છે.
બોર્ડર વિલેજના ગામડાઓ અને શાળાઍ જતા વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આજરોજ વાપીથી વલવાડા, અચ્છારી, બોરીગામ, કચીગામ સુધી બિરસા મુંડા ઍસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.
આ નવી બસ સેવાથી બોરીગામ-કચીગામના આશરે ૪૦ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને સીધો લાભ મળશે. અત્યાર સુધી પરિવહનના અભાવે વિદ્યાર્થીઓને શાળાઍ આવવા-જવામાં ભારે હાલાકી પડતી હતી, જેનો હવે અંત આવશે. આજરોજ બોરીગામ પ્રાથમિક શાળાના આચાર્ય છયાબેન લાડ, વાપી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધનસુખ પટેલ અને બોરીગામના સરપંચ અશોકભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
