Damanganga Times.

Damanganga Times.

October 05, 2026

મધુબન ડેમમાં ભરપૂર જળ સંગ્રહથી ખેડૂતો ખુશી

મધુબન ડેમમાં ભરપૂર જળ સંગ્રહથી ખેડૂતો ખુશી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૦૪ ઃ મધુબન ડેમમાં ૧૦૦ ટકા જળસંગ્રહ થતાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ ડેમ ખાતે પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. તેમણે જળદેવતાને નમન કરી સમગ્ર વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનો માટે પાણીની સમૃદ્ધિ જળવાઈરહે તેવી પ્રાર્થના કરી હતી. મધુબન ડેમમાં ભરપૂર પાણીનો સંગ્રહ થતાં કપરાડા સહિત આસપાસના વિસ્તારોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ડેમમાં પાણીની ઉપલબ્ધતા ખેતી અને સિંચાઈ માટે મહત્વપૂર્ણ બની રહેશે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો માટે જળસંગ્રહથી આગામી દિવસોમાં સિંચાઈની જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ મળી શકે છે. ડેમમાં પૂરતું પાણી હોવાને કારણે પીવાના પાણીની જરૂરિયાત માટે પણ આશાસ્પદ સ્થિતિ સર્જાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી, ખેતી, પશુપાલન સહિતની વિવિધ જરૂરિયાતો માટે પાણીનું મહત્વ હોવાથી સારો જળસંગ્રહ સ્થાનિક લોકો માટે રાહતરૂપ બન્યો છે.
આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ પાણીના સંરક્ષણ અને યોગ્ય ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે વરસાદી પાણીનો સંગ્રહ વધારવા અને ઉપલબ્ધ પાણીનો બગાડ ન થાય તે માટે સૌને જવાબદારીપૂર્વક પાણીનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. મધુબન ડેમમાં ૧૦૦ ટકા જળસંગ્રહ થતાં ખેડૂતોમાં આગામી ખેતીની કામગીરીને લઈને આશા જાગી છે. ડેમમાં સંગ્રહિત પાણીનો આયોજનબદ્ધ અને કરકસરપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તેનો લાભ લાંબા સમય સુધી લઈ શકાય તેમ છે. ડેમની જળસંપત્તિ વિસ્તારના લોકો માટે ઉપયોગી બની રહે તેવી પ્રાર્થના સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી.